400થી વધુ માણસોની ક્ષમતાવાળુ સભાગૃહ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં રેસકોર્સ પાસે રૂ.36 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત કચેરીના આધુનિક સંકુલના નિર્માણ માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. સંકુલમાં હાલની કચેરીના પાછળના ભાગે નવી અદ્યતન કચેરી બનાવવા રાજય સરકારે મંજૂરી આપતા પ્લાન સાથેનું ઓનલાઇન ટેન્ડર એક-બે દિવસમાં જ બહાર પડશે. ડી.ડી.ઓ. દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નવી કચેરી નિર્માણ માટેની વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. બાંધકામ અને ફર્નીચર સહિતનું રૂ. 36 કરોડનું ટેન્ડર 1 માસની મુદત સાથે પ્રસિદ્ધ થશે. જો ટેન્ડર પ્રક્રિયા સમયસર પૂર્ણ થઇ જાય તો વર્ષ 2024ના પ્રારંભે ખાતમર્હૂત કરી લોકસભાની ચૂંટણી પહેલા જ બાંધકામ શરૂ કરી દેવાની વહીવટી તંત્રની ગણતરી છે.
રાજકોટ જિલ્લા પંચાયતની નવી કચેરીમાં ભોયતળિયા ઉપરાંત ચાર માળની ઇમારત બનાવાશે. જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ચેમ્બર ઉપરાંત પંચાયત માટે 100 સભ્યોની ક્ષમતાવાળુ સભાગૃહ અને 400થી વધુ માણસોની ક્ષમતાવાળુ બીજુ સભાગૃહ બનાવવામાં આવશે. લિફટ, સ્ટોરરૂમ, કેન્ટીન વગેરેની જોગવાઇ કરવામાં આવી છે. બાંધકામ શરૂ થયા બાદ એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
નવી કચેરી બનાવવા માટે હાલની આરોગ્ય શાખા તથા બાળ વિકાસ શાખાની કચેરીનું અન્યત્ર સ્થળાંતર કરી તે ઇમારત તોડી પાડવામાં આવશે. અમૂક વૃક્ષો કાપવા પડશે અને અમૂક મોટા વૃક્ષોનું થોડે દૂર સ્થળાંતર કરી રોપવામાં આવશે. નવી ઇમારત તૈયાર થઇ ગયા પછી હાલની કચેરી જમીનદોસ્ત કરીને ત્યાં પાર્કીંગ અને બગીચો બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખના પ્રથમ પ્રમુખ ભૂપત બોદરના કાર્યકાળમાં તેમના દ્વારા નવી ઇમારત બનાવવા વહીવટી ગતિવિધ શરૂ થઈ છે. જિલ્લા પંચાયતના અદ્યતન બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શકય તેટલુ ઝડપે શરૂ કરાવવા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી અને તેમની ટીમ કાર્યરત છે.