ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં ઉમળકાભેર મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.ત્યારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલાલા તાલુકાના બોરવાવ પ્રાથમિક શાળાખાતેથી અમૃત કળશ યાત્રા યોજાઈ હતી.
આ અમૃત કળશ યાત્રા કાર્યક્રમમાં વિવિધ ગામની એકત્ર કરવામાં આવેલી માટીને અમૃત કળશમાં ભરવામાં આવી હતી. ગ્રામ પંચાયતોમાંથી એકઠી કરવામાં આવેલી માટી તાલુકા સ્તર પર અને ત્યાંથી રાજ્ય સ્તરે થઈ અને રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે. રાજધાની દિલ્હીમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને ફરજ પરના શહીદોની યાદમાં અમૃત વન તૈયાર કરવામાં આવશે, જેમાં આ માટી દ્વારા છોડ રોપવામાં આવશે.આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા, સરપંચ ભરતભાઈ, મહેન્દ્રભાઈ પીઠિયા, મનસુખભાઈ ડોબરીયા, પોપટભાઈ પાઘડાર, સહિતના હોદ્દેદારો સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.