એપલની બ્રાન્ડ વેલ્યુ 516 અબજ ડોલર: બીજા ક્રમે માઇક્રોસોફ્ટ
ખાસ-ખબર સંવાદદાતા
’બ્રાન્ડ ફાઈનાન્સ રિસર્ચ’ દ્વારા વિશ્વની ટોચની કંપનીની બ્રાન્ડ વેલ્યુનો આંક કાઢવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે. આ આંક કંપનીની માર્કેટ કેપિટલાઇઝેશનનો કે રેવન્યુનો આંક નથી પણ કોર્પોરેટ સ્ટ્રેટેજીના નિષ્ણાતોએ વિકસાવેલ પધ્ધતિથી વેલ્યુ નક્કી થઇ છે જેમા કંપનીના નફા, માર્કેટ કેપિટલાઇઝેશનમાં બ્રાન્ડના નામનું મહત્ત્વ કેટલા ડોલરનું છે તે નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.
ટોપ ટેનમાં અમેરિકાની એપલ કંપની 516 અબજ સાથે ટોપ પર છે. ટોચની 10માંથી 6 અમેરિકાની, બે ચીનની એક કોરિયા અને એક જર્મનીની છે. ટેસ્લા આશ્ચર્યજનક રીતે વિશ્વમાં 18માં ક્રમે ધકેલાઈ છે. તેની સામે મર્સિડિઝ બેન્ઝ 17મા ક્રમે છે. ગયા વર્ષે એપલની બ્રાન્ડ વેલ્યુ 217 અબજ ડોલર હતી. ટેસ્લા કરતા સસ્તી છતા જાણીતી કંપનીઓની ઇલેક્ટ્રિક કાર ગ્રાહકો ખરીદી રહ્યા છે તેના લીધે બ્રાન્ડ વેલ્યુ તેની ઘટી છે. બ્રાન્ડ વેલ્યુની રીતે ટોચની 100 કંપનીઓમાં રીટેઇલ 17, ટેકનોલોજી અને સર્વિસિસની 17, બેકિંગ ઇન્સ્યોરન્સ 14, એનર્જી એન્ડ યુટિલિટિઝ 12, ઓટોમોબાઈલ 10, ટેલિકોમ 9, મીડિયા 9, ફૂડ એન્ડ બેવરેજિસ 8, હેલ્થ કેર સર્વિસિસ 4 કંપનીઓ છે.
આના પરથી રોકાણ અને ધંધાનો સ્કોપનો પણ અંદાજ આવે. અમેરિકાની ટોપ બ્રાન્ડસની કુલ વર્થ 3.2 ટ્રીલિયન ડોલર છે. તે પછી ચીન 821 અબજ ડોલર અને જર્મની 347 અબજ ડોલરે આવે છે.એવુ મનાય છે કે આવતા વર્ષે એ.આઈ.પ્રોડક્ટ અને કંપનીઓ બહાર આવશે તે પછી ક્રમમાં ઉથલપાથલ થઇ શકે. ટોચની 100માંથી 51 યુ.એસ.ની ચીનની 19, જર્મનીની 8, જાપાનની 6, સાઉથ કોરિયાની 4 મુખ્ય છે. ટાટા 28 અબજ ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે ભારતની એકમાત્ર બ્રાન્ડ છે.