આજે વિધાનસભા સત્રના બીજા દિવસની શરૂઆત થતાં કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં જોવા મળી. આજે સતત બીજા દિવસે લમ્પી વાયરસ પર ચર્ચાની માંગ સાથે કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો.

આજે ગુજરાત વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ કોંગ્રેસ દ્વારા ગૃહમાં હોબાળો કરવામાં આવ્યો. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાના અંતિમ સત્રોના પ્રથમ દિવસે પણ કોંગ્રેસે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ગતરોજ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સરકાર વિરોધી સૂત્રોચાર સાથે વેલમાં ધસી આવ્યા હતા. જે બાદ તેઓને જગ્યાએ બેસવા અધ્યક્ષ નિમાબેન આચાર્યએ ટકોર કર્યા બાદ કેટલાક ધારાસભ્યોને એક દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ધારાસભ્યોને એક દિવસ માટે કરાયા હતા સસ્પેન્ડ

વેલમાં હોબાળો કરતા જીગ્નેશ મેવાણી, કનુભાઈ બારૈયા, કાંતિભાઈ ખરાડી, નૌશાદ સોલંકી, ગેનીબેન ઠાકોર, પ્રતાપ દુધાત, અમરીશ ડેર, પુના ગામીત, ચંદનજી ઠાકોર, ઈમરાન ખેડાવાલા અને બાબુ વાજાને ગૃહમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આજે ફરી કોંગ્રેસનું ગૃહમાંથી વોક આઉટ

તો આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસ હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

લમ્પી વાયરસને કંટ્રોલમાં કરવામાં નિષ્ફળ નીવડી સરકાર: પુંજા વંશ

આ મામલે ઉનાના કોંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, સરકાર લમ્પી વાયરસને કંટ્રોલમાં કરવામાં નિષ્ફળ નીવડી છે. પૂરતુ વેક્સિનેશન થયું હોત તો આવી સ્થિતિ ન ઉભી થઈ હોત. મેં ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો. પશુ પાલન મંત્રીએ આ પ્રશ્નને તાકીદ ગણાવ્યો ન હતો અને રદ્દ કર્યો હતો.

સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે

તેઓએ જણાવ્યું કે, કચ્છ અને જામનગરમાં લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. પૂરતી રસી મળી હોત અને પૂરતા પગલા લીધા હોત તો લમ્પી વાયરસ આટલો ફેલાયો ન હોત. કોંગ્રેસ દ્વારા લમ્પી વાયરસમાં મૃત્યુ પામેલી ગાયના યોગ્ય રીતે વળતર ચૂકવવાની માંગણી કરાઈ છે. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે.

ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

મહત્વનું છે, વિધાનસભાના પ્રથમ દિવસે સર્વસંમતિથી ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગૃહમાં ગુજસીટોક સુધારા વિધેયક બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જેના પર આશરે એક કલાક કરતાં વધુ સમય સુધી ચર્ચા ચાલી હતી. જે બાદ સર્વાનુમતે આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.