ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
નવા 9 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગ્રામિણ વિસ્તારોને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ- થરાદ નવો જિલ્લા રચવા સરકારે જાહેરાત કરતા હવે 4,700 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજવાની પ્રક્રિયા ઉપર બ્રેક મારી દેવાઈ છે. જો કે, આ ગ્રામ પંચાયત અને બનાસકાંઠા જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણી સિવાય ઉત્તરાયણ બાદ જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 73 નગરપાલિકા એમ શહેરી સંસ્થાઓમાં ગમે ત્યારે સામાન્ય ચૂંટણીની જાહેરાત થશે. ગુજરાત સરકારે આ વર્ષે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી તાપી જિલ્લા મુખ્ય મથક વ્યારા ખાતે કરશે. તે પહેલા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 73 નગર પાલિકાઓમાં સામાન્ય ચૂંટણી જાહેર થશે તેમ શહેરી વિકાસ વિભાગ અને રાજ્ય ચૂંટણી આયોગમાં ચાલી રહેલી તડામાર તૈયારીઓને કારણે જાણવા મળ્યુ છે. અન્ય પછાત વર્ગો- ઘઇઈ અનામતના વિવાદને પગલે છેલ્લા બે- અઢી વર્ષથી ગ્રામ પંચાયતો, તાલુકા- જિલ્લા પંચાયતો તેમજ નગરપાલિકાઓની ચૂંટણી ટલ્લે ચઢી હતી. પરંતુ, ગતવર્ષે સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જનપ્રતિનિધિત્વ માટે 27 ટકા ઘઇઈ અનામત દાખલ કરતા હવે ચૂંટણીનો માર્ગ મોકળો થયો હતો તેવામાં 10 પાલિકાને નવ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે જાહેર કરતા તેમાં સમાવિષ્ટ થતા ગ્રામીણ વિસ્તારોને કારણે હવે પંચાયતની ચૂંટણી માર્ચે કે એપ્રિલ મહિનામા જાહેર થાય તો નવાઈ નહી.