6 દિવસથી પાણી વિતરણ ન થતા મનપા કચેરી સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ધરણાં કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
વોર્ડ નંબર 10ના અનેક વિસ્તારોમાં 6 દિવસથી પાણી વિતરણ ન થતા મનપા કચેરી સામે ભાજપના પૂર્વ કોર્પોરેટરે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. જોકે બાદમાં કમિશનરે યોગ્ય કરવાની ખાત્રી આપતા 3 કલાકમાં જ ધરણાંનો કાર્યક્રમ સમેટાયો હતો.વોર્ડ નંબર 10ના માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની નવી લાઇન નંખાઇ રહી છે.
- Advertisement -
આ કામગીરીમાં જૂની લાઇન તૂટી જતા અને બાદમાં સમયસર લાઇન રીપેર ન થતા અંદાજે 10,000થી વધુની વસ્તીને 6 દિવસથી પાણી મળ્યું ન હતું. આ અંગે અનેક વખત રજૂઆત છતાં પાણી વિતરણની કોઇ વ્યવસ્થા ન થતા લોકોનો રોષ વધ્યો હતો. બાદમાં વોર્ડ નંબર 10 ના ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન ઉદાણીએ મહાનગરપાલિકામાં કમિશનરની કચેરી સામે ધરણાંનો કાર્યક્રમ કર્યો હતો. આ વખતે એ વિસ્તારની મહિલાઓએ પણ આવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, 3 કલાકના ધરણાં બાદ કમિશનરે યોગ્ય કરવાની ખાત્રી આપતા ધરણાંનો કાર્યક્રમ સમેટાયો હતો.
ભાજપના પૂર્વ કોર્પોરેટર હિતેન ઉદાણીએ જણાવ્યું હતું કે એડવાન્સ પાણી અપાશે હું સવારે 11:30 વાગ્યે કમિશનર કચેરી સામે ધરણાં પર બેઠો હતો. બાદમાં કમિશનરે વોટર વર્કસ શાખાના અધિકારીને અને મને પોતાની ઓફિસમાં બોલાવ્યા હતા. કમિશનર ડો. ઓમ પ્રકાશે મારી રૂબરૂમાં વોટર વર્કસ શાખાના અધિકારીને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, એડવાન્સમાં પાણી આપ્યા બાદ જ લાઇન ખોદવાનું કરજો. સાથે કામ પુરૂં થયે તાત્કાલીક પેચવર્ક પણ કરાવી આપવા સૂચના આપી હતી.