ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં દિવસે-દિવસે માર્ગ અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ગઈકાલે કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ભારતમાં દર વર્ષે પાંચ લાખ માર્ગ અકસ્માતો થાય છે, જેનું એક કારણ રોડ એન્જિનિયરિંગની ખામી છે. ગડકરીએ એન્જિનિયરોને કહ્યું હતું કે તેઓ જીવ બચાવવા માટે અકસ્માતગ્રસ્ત રસ્તાઓમાં એન્જિનિયરિંગની ખામીઓ દૂર કરે. ભારતીય માર્ગ કોંગ્રેસના 82મા વાર્ષિક સત્રને સંબોધતા ગડકરીએ ગુણવત્તા સાથે સમાધાન કયિ વિના વૈકલ્પિક સામગ્રી અને નવીનતમ ટેકનીકનો ઉપયોગ કરીને બાંધકામ ખર્ચ ઘટાડવા અને પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા હાકલ કરી હતી. તેમણે કહ્યું,ભારતમાં દર વર્ષે પાંચ લાખ અકસ્માતો થાય છે અને દોઢ લાખ લોકો મૃત્યુ પામે છે જ્યારે ત્રણ લાખ લોકો ઘાયલ થાય છે. આના કારણે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ને ત્રણ ટકાનું નુકસાન થાય છે. બલિના બકરાની જેમ દરેક અકસ્માત માટે ડ્રાઇવરને જવાબદાર ઠેરવવામાં આવે છે. પરંતુ રોડના ખોટા એન્જિનિયરિંગને કારણે ઘણીવાર અકસ્માતો થાય છે.ગડકરીએ જણાવ્યું કે રસ્તાઓ બનાવતી વખતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે અકસ્માતોને રોકવા માટે તે યોગ્ય રીતે એન્જિનિયર્ડ છે. મારો પણ અકસ્માત થયો અને મારા ચાર હાડકાં તૂટી ગયા.