2 કૂતરા માટે 20000 રૂપિયા અને ખતરનાક પ્રકારનાં કૂતરાં માટે 45000 રૂપિયાનો ટેક્સ
વિશ્વનાં દરેક દેશમાં લોકો ઘરમાં પ્રાણીઓને પાળતાં હોય છે. કૂતરા અને બિલાડીઓ ઘરોમાં રાખવામાં આવેલાં સૌથી પ્રિય પ્રાણીઓ હોય છે. ભારતમાં પણ કૂતરાઓ મોટાં પાયે પાળવામાં આવે છે. તેમને ઘરે રાખવા માટે સરકારને કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. પરંતુ, જર્મનીમાં આવું નથી ત્યાં પાલતું કૂતરાઓ પર પણ ટેક્સ લાગે છે.
આને હુંડશટાયર કહેવાય છે. ગયાં વર્ષે ડોગ ટેક્સમાંથી 3866 કરોડ રૂપિયા જર્મનીની સરકારી તિજોરીમાં આવ્યાં હતાં. જર્મનીમાં ડોગ ટેક્સ દર અલગ અલગ મ્યુનિસિપાલિટીમાં અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ઘરમાં એક કૂતરો રાખવા માટે વાર્ષિક 9 હજાર રૂપિયા, બે રાખવા માટે 20 હજારથી વધુ અને ઘરમાં જોખમી જાહેર કરાયેલો એક કૂતરો રાખવા માટે 45 હજાર રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે છે.
- Advertisement -
ડોગની સંખ્યાને નિયંત્રિત કરવાનો ઉદ્દેશ્ય
જર્મનીમાં કૂતરાં રાખવા પરનો સ્થાનિક ટેક્સ પાલતું કૂતરાંઓના માલિકોએ સીધો જ ચૂકવવો પડે છે. આ દ્વારા, શહેર વહીવટીતંત્રનો હેતુ શહેરો અને નગરપાલિકાઓમાં કૂતરાઓની સંખ્યાને નિયંત્રિત કરવાનો છે. આ ટેક્સના દર જર્મનીનાં વિવિધ રાજ્યો દ્વારા નક્કી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ આ ટેક્સના નિયમોનું ઉલ્લંઘન કરે છે તો તેને દંડ પણ થઈ શકે છે.
એક વર્ષમાં કેટલો ટેક્સ ભરવો પડે ?
વિવિધ મ્યુનિસિપલ સંસ્થાઓમાં ડોગ ટેક્સના દરો અલગ-અલગ હોય છે. બર્લિનમાં કૂતરાં પાળવા માટે વાર્ષિક 120 યુરો એટલે કે 10981 રૂપિયાનો ટેક્સ ચૂકવવો પડે છે. જો કોઈ વ્યક્તિ પાસે એક કરતાં વધુ કૂતરાં હોય, તો દરેક વધારાનાં કૂતરાં માટે વાર્ષિક 180 યુરોનો ટેક્સ ચૂકવવો પડે છે. બેડન-વુર્ટેમબર્ગમાં એક કૂતરા માટે 108 યુરો અને બીજા માટે 216 યુરો ચૂકવવા પડે છે. ખતરનાક ડોંગ્સ પર કર દરો 500 થી 1000 યુરો સુધીની હોઈ શકે છે.
3 મહિનાની અંદર નોંધણી કરવી જરૂરી
જો કોઈ વ્યક્તિ એક ગલુડિયું રાખે છે, તો તેનાં જન્મનાં ત્રણ મહિનાની અંદર તેની નોંધણી કરવી જરૂરી છે. મોટાં કૂતરાંના કિસ્સામાં, રજીસ્ટ્રેશન બે થી ચાર અઠવાડિયામાં થવું જોઈએ. રજીસ્ટ્રેશન અને ડોગ ટેક્સની ચુકવણી માટે, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા પાસપોર્ટ, કૂતરાનું વર્ણન અને સરનામાની માહિતી પ્રદાન કરવી પડે છે. નોંધણી પછી ચુકવણી પર, તેમને ટેક્સ ટેગ પ્રાપ્ત થશે, જે કૂતરાના કોલર પર જાહેરમાં પહેરવું આવશ્યક છે. શહેરનાં અધિકારીઓ દ્વારા પૂછવામાં આવે ત્યારે આ ટેગ બતાવવાની જરૂર પડી શકે છે. જો કૂતરો વેચાય છે, ખોવાઈ જાય છે અથવા મૃત્યુ પામે છે, તો શહેરનાં વહીવટીતંત્રને તેની જાણ કરવી જરૂરી છે.
- Advertisement -
આ ટેક્સ ક્યાં વપરાય છે ?
કૂતરાના કરમાંથી એકત્ર કરાયેલાં નાણાંનો ઉપયોગ પાલતું પ્રાણીઓનાં કલ્યાણ માટે થાય છે, એવું બિલકુલ નથી. આને ’Aufbandsteuer’ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે પાલતું રાખવાનાં ખર્ચ પર ટેક્સ છે.
આ નાણાનો ઉપયોગ શહેરી વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સામુદાયિક પ્રોજેક્ટ માટે કરવામાં આવે છે. પોલીસને મદદ કરવા માટે વપરાતાં ગાઈડ ડોગ્સ, અને થેરાપી ડોગ્સને આ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે.