ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથ દિવસે દિવસે ટેક્નોલોજીનો વ્યાપ વધતો જાય છે. જેની સાથે તેના દુરુપયોગ પણ વધતા જાય છે. ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં સામાન્ય લોકો સાથે ફ્રોડ થવાના કિસ્સાઓ આજકાલ સમાજજીવનમાં જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં આ અંગેની જાગૃતિ કેળવાય તે માટે વેરાવળ સર્કલ એસબીઆઈ દ્વારા જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારના હેતુઓ અંગે બેંકના ચીફ મેનેજર કામટા સિંહાએ જણાવ્યું હતું કે, આજકાલ ડિજિટલ નાણાકિય વ્યવહારનું પ્રચલન વધતું જાય છે. બેન્કિંગ અને નાણાકિય સંસ્થાનો માટે આ ઉપયોગી છે. છતાં લોકોમાં ડિજિટલ વ્યવહારો અંગે પૂરતી સાવધાની ન હોવાના કારણે ક્યાંકને ક્યાંક ફ્રોડના કિસ્સાઓ બનતાં હોય છે. જેના લીધે લોકોએ પોતાના ખાતામાં રહેલી રકમ પણ ગુમાવવાનો વારો આવે છે.
આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, નાણાકિય વ્યવહારોનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન સમય સાથે તાલ મિલાવતા જરૂરી છે પરંતુ તેની સાથે સાથે કેટલીક સાવચેતીઓ લોકો સાથે થતા ફ્રોડને અટકાવી શકે છે. આ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે માટે આજે નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આ અંગે સેમિનારનું આયોજન કરીને વેરાવળના નાગરિકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
સેમિનારમાં ચીફ મેનેજર બિરજુલાલ શર્માએ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરતી વખતે ધ્યાનમાં રાખવાના પગલાઓ વિશેની સમજ આપી હતી. જો કોઈ કેસમાં ડિજિટલ ફ્રોડ થાય તો તુરંત જ ટોલ ફ્રી નંબર પર જાણ કરવા ઉપરાંત એસબીઆઈના ઈ-મેઈલ પર આ અંગેની ત્વરિત જાણકારી આપવા માટેની વિસ્તૃત સમજ ઉપસ્થિત લોકોને આપી હતી.
ડિજિટલ ફ્રોડની જાગૃતિ અંગે વેરાવળ SBI દ્વારા સેમિનાર યોજાયો
