જર્જરિત મકાનો દૂર કરવા માટે નોટિસ આપવા, પૂરની સ્થિતિમાં વૈકલ્પિક રસ્તાઓ, ડેમના બ્રિજનું ઈન્સપેકશન કરવા અને PGVCLદ્વારા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ સુચારૂ રીતે કાર્યરત રાખવા નિર્દેશ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જૂનાગઢ આગામી વર્ષાઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના આગોતરા આયોજન અંગે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી આ બેઠકમાં કલેક્ટરે જિલ્લામાં નવા નિયુક્ત અધિકારીઓએ પોતાના કાર્યક્ષેત્રના ભૌગોલિક વિસ્તારથી પરિચિત થવા માટે સૂચના આપતા કહ્યું કે, ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનહાનિ ન થાય અને લોકોના જાન-માલને નુકસાન ન થાય સાથે જ આપત્તિની સ્થિતિમાં આનુસંગિક કામગીરી સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
વર્ષાઋતુમાં સંભવિત આપદાઓમાં રાહત બચાવ કાર્ય સુચારૂ રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જર્જરીત મકાનોને દૂર કરવા માટે નોટિસ આપવા, પૂરની સ્થિતિમાં વૈકલ્પિક રસ્તાઓ,ડેમના બ્રીજનું ઈન્સપેકશન કરવા અને ખાસ કરીને તેમણે પીજીવીસીએલ દ્વારા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ સુચારૂ રીતે કાર્યરત રહે તે માટે નિર્દેશ આપ્યા હતા ઉપરાંત સ્થળાંતરની સ્થિતિમાં માંગરોળ અને માળિયાહાટીના સેલ્ટર રૂમ ખાતે પ્રાથમિક સુવિધાઓની ચકાસણી કરવાની સાથે પીવાનું પાણી અને ખાદ્ય સામગ્રીની ઉપલબ્ધતા અંગે જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે સૂચના આપી હતી.જિલ્લાના જળાશયોમાંથી પાણી છોડવા સમયે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવા માટે સુચારૂ રીતે થાય તે માટે માર્ગદર્શન આપ્યું હતુ.ભારે વરસાદની સ્થિતિમાં રોગચાળો ન ફેલાય તે માટે જંતુનાશક દવાનો છંટકાવ, પીવાના પાણીનું ક્લોરીનેશન અને આવશ્યક દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સંબંધિત અધિકારીને જણાવ્યું હતું. આ ઉપરાંત તરવૈયાનું યાદી અને રાહત બચાવવા માટે ઉપલબ્ધ સાધનોની અધ્યતન વિગતો તૈયાર કરવા માટે સૂચના આપી હતી.