ખાસ-ખબર સંવાદદાતા
ગીર-સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંચારી રોગ સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંચારી રોગ વિષયક વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ રોય દ્વારા કરવામાં આવી હતી. સૌ પ્રથમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા સબ સેન્ટરના બાંધકામ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી તેમજ આશાબહેનોને સમયસર ઇન્સેટીવ મળે તે બાબતે ધ્યાન દોરવામાં આવ્યુ હતું. ઉપરાંત ધાત્રી માતા સામ અને મામ બાળક વિશે ચર્ચા કરવામાં આવેલ હતી અને નિક્ષય મિત્ર વધારે બને માટે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તમામ આરોગ્યલક્ષી ખર્ચને બહાલી આપવામાં આવેલ હતી.
ત્રણ માસ દરમિયાન જિલ્લામાં નોધાયેલા 56 ક્લિનિકનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુ અને તમામ નોંધાયેલ સંસ્થાઓ/ઈમેજીંગ સેન્ટરોનું ઈન્સ્પેકશન થાય તે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસરશ્રીઓને ખાસ સૂચના આપવામાં આવી હતી તેમજ દિકરીજન્મને આવકારવા અંગે વધુ જનજાગૃતિ થાય તેવા પ્રયાસો હાથ ધરવા જણાવાયું હતું.