બ્રિટનની સંસદમાં કાશ્મીરની પત્રકાર અને એક્ટિવિસ્ટે પાકિસ્તાનને ધોઇ નાખ્યું
યાનાએ પોતાના પ્રવચનમાં કાશ્મીર વિષે મનઘડત કથાઓ ઘડતા આંતરરાષ્ટ્રીય મીડિયાને ઝાટકી નાખ્યા: યાનાની બેબાક વાણીથી હાજર સહુ કોઇ દંગ
ખાસ-ખબર સંવાદદાતા
કાશ્મીરની એક્ટિવિસ્ટ અને પત્રકાર યાના મીર બ્રિટીશ સંસદ ભવનમાં એક કાર્યક્રમમાં પાકિસ્તાનની જોરદાર શાબ્દિક ધોલાઇ કરી નાખી હતી. પાકિસ્તાન તરફથી થતા ખોટા પ્રચારને લઇને તેણે કહ્યું હતું કે, કાશ્મીર ભારતનો એક ભાગ છે અને ત્યાં તે પૂરી રીતે સુરક્ષિત અને સ્વતંત્ર છે, તેણે મલાલા યુસુફ જઇનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે મલાલા નથી, જેણે આતંકવાદથી ડરીને પાકિસ્તાન છોડવું પડ્યું હતું, તે ભારતમાં સ્વતંત્ર અને સુરક્ષિત છે. યાના મીરના આ નિવેદન પર બ્રિટનની સંસદમાં સૌ કોઇ દંગ રહી ગયા હતા અને તાળીઓ વગાડી હતી. યાના મીર લંડનમાં બ્રિટનની સંસદ તરફથી આયોજિત ‘સંકલ્પ દિવસ’માં બોલી રહી હતી.
યાનાએ આતંર રાષ્ટ્રીય મીડિયા સમુદાયને જમ્મુ કાશ્મીરના લોકોને વિભાજીત બંધ કરવાનો પણ આગ્રહ કર્યો હતો. યાનાએ કહ્યું હતું કે મારી માતૃભૂમિ કાશ્મીર કે જે ભારતનો ભાગ છે. મને ક્યારેય કાશ્મીરથી ભાગીને આપના દેશમાં શરણ લેવાની જરૂર નહીં પડે. મારે ક્યારેય મલાલા યુસુફજઇ નહીં બનવું પડે. તેણે જણાવ્યું હતું કે હું સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય મીડિયાના બધા ટૂલકિટ સભ્યો પર વાંધો રજુ કરું છું કે જેમણે ક્યારેય પણ ભારતીય કાશ્મીરમાં આવવાની જહેમત નથી ઉઠાવી, પણ ત્યાંથી અહીંના વિષે અત્યાચારની વાર્તાઓ ઘડી કાઢે છે. યાનાએ બ્રિટનમાં રૂમમાં બેસીને રિપોર્ટ કરી ભારતીય સમાજનું ધ્રુવીકરણ કરવાની કોશિશો બંધ કરવાનું પણ કહ્યું હતું. અને કાશ્મીરી સમુદાયને શાંતિથી રહેવા દેવાની અપીલ કરી હતી. યાનાએ કાશ્મીરમાં 370ની કલમ રદ કર્યા બાદ થયેલી પ્રગતિને બ્રિટનની સંસદમાં રજુ કરી હતી. યાનાએ ભારતીય સૈન્યની પણ પ્રશંસા કરી હતી. આ મીટીંગમાં 100થી વધુ પ્રતિષ્ઠિત લોકોએ ભાગ લીધો હતો.