ડીજે સાથે ગરબા રમઝટ 30 ફ્લોટ અને મહાપ્રસાદનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢમાં ઝુલેલાલ સેવા મંડળ અને સમસ્ત સિંધી સમાજ દ્વારા દરવર્ષની જેમ પરંપરાગત રીતે શોભાયાત્રા યોજાઈ હતી. તેની પૂર્વે સિંધી સમાજના આગેવાનોના હસ્તે જ્યોત પ્રગટાવવામાં આવી હતી. બપોરે રેલવે સ્ટેશનનેથી આયો લાલ ઝુલેલાલના નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જેમાં વંથલી, માણાવદર, રાણાવાવ, કુતિયાણા, પોરબંદર, ધોરાજી, અમરેલી, રાજકોટ, જામનગર, માળીયાહાટીના, કેશોદ, બાટવા, વેરાવળ, કોડીનાર અને જૂનાગઢ સહિતની બહીરાણા મંડળીઓ અને ઝાંખીઓ જોડાયા હતા.
- Advertisement -
નાનાં બાળકોએ ભગવાન ઝુલેલાલજીની ઝાંખી ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ, પર્યાવરણ, પ્લાસ્ટિક મુક્ત, સ્ત્રીભૂલ સહિતના અનેકવિધ વિષય પર 30થી વધુ ફ્લોટ જોડાયા હતા. શોભાયાત્રામાં સૌથી આગળ ઝુલેલાલ ભગવાનની જ્યોત રહી હતી. ડ્રેસ કોડ સાથે સિંધી સમાજના અનેક સંગઠનો જોવા મળ્યા હતા. રેલવે સ્ટેશનથી નીકળેલી શોભા યાત્રા સુખનાથ ચોક, સંઘાડીયા બજાર, સર્કલ ચોક, દિવાન ચોક માલીવાડા રોડ, પોસ્ટ ઓફિસ રોડ, એમજી રોડ, કાળવા ચોક, જવાહર રોડ, ગિરનાર દરવાજા અને રાધા નગર થઈને દામોદર કુંડ ખાતે પહોંચી હતી અને ત્યાં ઝુલેલાલ સાહેબની જ્યોત પધરામણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ડીજેના તાલે સિંધી સમાજના ભાઈઓ બહેનોએ રાસ ગરબા દાંડીયારાસની રમઝટ બોલાવી હતી. માર્ગો પર સિંધી ગીતોની રમઝટ સાથે જય ઝૂલેલાલનો નાદ ગુંજી ઉઠયો હતો.