વાલીઓએ માફી માંગતા વેપારીઓએ ફરિયાદ ટાળી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માંગનાથ રોડ પર રાત્રિના સમયે તોડફોડ કરનાર સગીર વયના બાળકોને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી લીધા હતા. દરમિયાન બાળકો અને તેમના વાલીઓએ માફી માંગતા વેપારીએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. શહેરના માંગનાથ રોડમાં કેટલાક આવારા તત્વો દ્વારા પથ્થરો દ્વારા દુકાનોના સીસીટીવી કેમેરામાં અને શટરોમાં તોડફોડ કરાઇ હતી.
- Advertisement -
આ અંગે માંગનાથ રોડ વેપારી એસોસિએશન દ્વારા એ.ડિવીઝનમાં લેખીત અરજી કરાઇ હતી. બાદમાં જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને ઇન્ચાર્જ એસપી ભગીરથસિંહ જાડેજાએ આવા તત્વોને શોધી કાઢવા સૂચના આપી હતી. જેને પગલે ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પીઆઇ બી.બી. કોળી, પીએસઆઇ વાય.એન. સોલંકી અને સ્ટાફે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન સીસીટીવીમાં કેટલાક સગીરો નજરે પડ્યા હતા જેથી સગીરોને તેમના વાલીઓ સાથે એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા.બાદમાં કાપડ એસોસિએશનના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ તન્ના, ઉપપ્રમુખ હિતેષ સંઘવી તેમજ અન્ય વેપારીઓને ત્યાં આ સગીરો અને તેમના વાલીઓને લઇ જવાયા હતા. જ્યાં સગીરો અને તેમના વાલીઓએ કાપડ બજારના વેપારીઓની માફી માંગી ફરીથી આવી ઘટના નહિ બને તેની ખાત્રી આપી હતી. જેને પગલે વેપારીઓએ માફી આપી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.બાદમાં તમામને છોડી મૂકાયા હતા.



