ગરીબ દર્દીઓને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબુર
ખાસ-ખબર સંવાદદાતા
વંથલી હાલ વરસાદના વિરામ બાદ પાણીજન્ય રોગોએ માજા મુકી છે ત્યારે આ વિસ્તારના લોકો વાઇરલ તાવ, ઉધરસ,શરદી નો શિકાર બન્યા છે ત્યારે ખાનગી હોસ્પિટલોની સાથે સાથે સરકારી હોસ્પિટલો પણ કીડિયારું ની માફક દર્દીઓથી ઉભરાઇ રહી છે. વંથલી સરકારી દવાખાનાની તો છેલ્લા ઘણા સમયથી ટેકનિકલી અને વહીવટી પ્રોબ્લેમનાં કારણે વંથલી સરકારી દવાખાનાને મળવા પાત્ર દવાનો જથ્થો નિયમિત અને સમયસર મળતો ન હોવાની ફરીયાદો ગરીબ દર્દીઓ માંથી ઉઠી છે.આ અંગે અધિક્ષક સિકંદર પરમારને પૂછતાં દવાનો જથ્થો ખલાસ થઈ ગયો હોવાનું મીડિયા સમક્ષ સ્વીકાર કર્યો હતો.જ્યારે પૂરતા પ્રમાણમાં વંથલી સરકારી હોસ્પિટલને દવાનો જથ્થો મળી રહે તે અંગે આ વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ આરોગ્ય વિભાગને રજૂઆતો કરી છે.હાલતો વંથલી સરકારી દવાખાનામાં ખલાસ થઈ ગયેલા દવાના જથ્થાને લઈને ગરીબ દર્દીઓ પીડાય રહ્યા છે.અને ખાનગી મેડિકલ સ્ટોરમાંથી બાટલાઓ વેચાતા લઈ સારવાર મેળવી રહયા છે.ગરીબ દર્દીઓ મફત સારવારની અપેક્ષાએ સરકારી દવાખાને આવતા હોય છે પરંતુ દવાઓ નો જથ્થો ખલાસ થઈ જતાં હાલ તો ગરીબ દર્દીઓની આશા ઠગારી નીવડી રહી હોવાનું જણાઇ રહ્યું છે.