પરિક્રમા પ્રારંભ રૂટ પર વિનામૂલ્યે કાપડની થેલીનું વિતરણ થશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગીરનાર લીલી પરિક્રમા પ્લાસ્ટિક મુક્ત રહે તેના માટે છેલ્લા 10 વર્ષથી પ્રકૃતિ મિત્ર એનજીઓના ચેરપર્શન અને ફાઉન્ડર પ્રો.ડો.ચિરાગબેન ગોસાઈ પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં સહભાગી થાય છે.
જેમાં પ્રાકૃતિક મિત્રો દ્વારા પરિક્રમાના મુખ્ય પ્રદેશ દ્વાર પાસેજ રૂપાયતન સંસ્થા ખાતેથી પ્રકૃતિ મિત્રના 115 જેટલા કાર્યકર્તાઓ રાત દિવસ પોતાની સેવા આપશે.
આ દરમિયાન પરિક્રમાથીઓ પાસેથી પ્લાસ્ટિકની થેલી, ઝભલા તેમજ જંગલને નુકસાનકારક એવી તમામ પ્લાસ્ટિકની વસ્તુઓ લઈ લેવામાં આવે છે અને તેના બદલામાં વિનામૂલ્યે કાપડની અને ઇકો ફ્રેન્ડલી થેલીઓનું વિતરણ કરવામાં આવે છે.
પ્રકૃતિ મિત્ર છેલ્લા દસ વર્ષથી લાખોની સંખ્યામાં વિનામૂલ્યે કાપડની થેલીઓનું વિતરણ કરીને દર વર્ષે ત્રણ હજાર થી ચાર હજાર કિલો જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરીને રિસાયકલ માં મોકલે છે.કાર્યમાં વનમેન આર્મીના સંયોજક એડવોકેટ કે.બી.સંઘવી, રૂપાયતન સંસ્થાના હેમંતભાઈ નાણાવટી તેમજ કોર્પોરેશન દ્વારા સતત જહેમત ઉઠાવવામાં આવી રહી છે.