રક્ષાબંધન પહેલા બહેને ભાઈ ગુમાવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસના પવિત્ર તહેવાર પર રક્ષાબંધન પૂર્વે પટેલ પરિવારના એકના એક વીરાનું વહેલી સવારે એકાએક બેભાન થઈ જતા સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. 12 વર્ષના તરૂણને ધ્રોલ ખાતે સૈનિક સ્કૂલની તૈયારી માટે મુક્યો હતો અને વહેલી સવારે નિંદરમાં ચાલવા લાગતા પડી જવાથી બેભાન થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તરૂણના મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોટર્મ કરવામા આવ્યું છે. જેના અભિપ્રાયની રાહ જોવાઈ રહી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ રાજકોટના 80 ફૂટ રોડ સાગર હોલ પાસે હરીદ્વાર સોસાયટીમાં રહેતા વ્રજ ગીરીશભાઈ સોરઠિયા (ઉ.વ.12) નામના તરૂણને સૈનિક સ્કૂલની તૈયારી માટે ધ્રોલના આનંદનગર સોસાયટીમાં ટ્યુશન કરાવતા રાજેન્દ્ર રતિલાલ બારડમાં કેમ્પમાં મુકવામા આવ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે અચાનક વ્રજ નિંદરમાં ઉભો થઈ ચાલવા લાગતા ઠેસ લાગી હતી અને તે પડી ગયો હતો.
બેભાન હાલતમાં પ્રથમ ધ્રોલ અને ત્યાર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર મળે તે પહેલાજ તેનું મૃત્યું થયું હતું. આ બનાવની જાણ થતા મૃતક તરૂણના પિતા સહિતના પરિવારજનો હોસ્પિટલ પર દોડી ગયા હતા.પોલીસને જાણ કરવામા આવતા પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
અગાઉ એક વર્ષ સૈનિક સ્કૂલ ક્લાસિસમાં તૈયારી કરી ચુકેલા વ્રજને તાજેતરમાં ફરી ક્લાસિસમાં મુકવામા આવ્યો ત્યારે પણ વ્રજે ક્લાસિસમાં જવાનો ઈન્કાર કરી દીધો હતો. પરંતુ માતા-પિતાએ તેને ક્લાસિસમાં બેસાડ્યો હતો. રક્ષાબંધાનના તહેવાર પૂર્વે પટેલ પરિવારના એકના એક પુત્રના અચાનક થયેલા નિધનથી પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને કરૂણ કલ્પાંત કઠણ હૃદયના માનવીને પીગળાવી દીધા હતા.
પોલીસની પૂછપરછમાં વ્રજ એક ભાઈ એક બહેનમાં નાનો હોવાનું અને પિતા કારખાનામાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. વૃજ ભણવામાં હોશિયાર હોય તેના પિતાની સૈનિક સ્કૂલમાં મુકવાની ઈચ્છા હોય જેની તૈયારી માટે વ્રજને ધ્રોલમાં ચાલતા સૈનિક સ્કૂલના કલાસિસમાં એક મહિના પહેલા મુકવામા આવ્યો હતો.