લોકસભામાં રજૂ કરાયેલા UGCના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે નથી NAACની માન્યતા.
લોકસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રના પ્રશ્નોતરીમાં NAACની માન્યતાનો મુદ્દો ઉઠ્યો હતો. જેમાં એક પ્રશ્નના જવાબમાં યુજીસી દ્વારા તાજેતરના રિપોર્ટને રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં સામે આવ્યું છે કે હાલ ગુજરાત સહિત દેશભરની હજારો કોલેજો અને યુનિવર્સિટીઓ પાસે NAAC (નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ)ની માન્યતા જ નથી. એક બાજુ નવી શિક્ષણ નીતિના અમલની વાતો થઈ રહી છે, ત્યાં બીજુ બાજુ હજારો નેક વગરની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણતા હોવાનું સામે આવ્યું છે.
- Advertisement -
ગુજરાત યુનિવર્સિટી પાસે પણ નથી નેકની માન્યતા
અહીં સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે રાજ્યની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટી પાસે પણ ત્રણ વર્ષથી NAACની માન્યતા નથી. વર્ષ 2015માં ગુજરાત યુનિવર્સિટી દ્વારા નેકની માન્યતા લેવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી સહિત 55 યુનિવર્સિટી પાસે NAACની માન્યતા ન હોવાનું યુજીસીના રિપોર્ટમાં સામે આવ્યું છે.
ગુજરાતમાં 83 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજો પાસે નથી નેકની માન્યતા
ગુજરાતમાં કુલ 83 જેટલી યુનિવર્સિટીઓ અને 2267 કોલેજો આવેલી છે. જેમાંથી માત્ર 28 યુનિવર્સિટીઓ જ નેકની માન્યતા ધરાવે છે. તો 2267 કોલેજોમાંથી માત્ર 500 પાસે જ નેકની માન્યતા છે. રાજ્યની 1767 કોલેજો પાસે NAACની માન્યતા નથી.
દેશમાં 676 યુનિવર્સિટીઓ અને 34,461 કોલેજો પાસે નથી નેકની માન્યતા
સમગ્ર દેશની વાત કરીએ તો દેશમાં નેક માન્યતા માટે લાયક એવી કુલ 1113 યુનિવર્સિટીઓમાંથી 437 પાસે નેકની માન્યતા છે. જ્યારે 676 યુનિવર્સિટીઓ પાસે નેકની માન્યતા નથી. સાથે જ 43,796 કોલેજોમમાંથી માત્ર 9335 જ કોલેજો નેકની માન્યતા ધરાવે છે. એટલે કે 34,461 કોલેજો પાસે નેકની માન્યતા નથી.
- Advertisement -
દર પાંચ વર્ષે કરવાની હોય છે અરજી
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર અને યુજીસી દ્વારા નેક એક્રેડિટેશન, નેશનલ રેન્કિગ અને એનબીએ એક્રિડિટેશન લેવાનું ફરજિયાત કરાયું છે. જેમાં ટેકનિકલ કોલેજોએ કોર્સ દીઠ એનબીએ માન્યતા લેવાની હોય છે. યુનિવર્સિટીઓની વાત કરીએ તો યુનિવર્સિટીઓએ નેક એક્રેડિટેશન મેળવવાનું હોય છે. આ માટે દર પાંચ વર્ષે અરજી કરવાની હોય છે. પરંતુ મોટભાગની કોલેજો અને યુનિવર્સિટીઓ અરજી ન કરતી હોવાનું સામે આવ્યું છે.