ખાસ-ખબર સંવાદદાતા
ડિસ્કાઉન્ટસમાં ઘટાડા અને પેમેન્ટની સમશ્યાને પરિણામે રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત ઘટવા વકી છે અને દેશની રિફાઈનરીઓએ અન્ય પૂરવઠેદારો પાસેથી ક્રુડ તેલ ખરીદવાનું ફરી શરૂ કરવું પડશે. યુક્રેન પર ગયા વર્ષે કરેલા આક્રમણ બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર મૂકેલા પ્રતિબંધને પગલે ભારત રશિયાના ક્રુડ તેલનો મોટો ખરીદદાર દેશ બની ગયો હતો.
બેન્ચમાર્ક બ્રેન્ટના ભાવથી રશિયાનું ક્રુડ તેલ મોટા ડિસ્કાઉન્ટે મળવા લાગતા ભારતની રિફાઈનરીઓએ રશિયા ખાતેથી જંગી માત્રામાં ખરીદી શરૂ કરી હતી. જો કે રશિયાના ઉરલ્સ ગ્રેડના ક્રુડ ઓઈલ પર ડિસ્કાઉન્ટ હવે ઘટીને પ્રતિ બેરલ 3થી 3.50 ડોલર પર આવી ગયું છે. હાજર બજારમાં ઉરલ્સની ઉપલબ્ધતા ઘટી જતા ડિસ્કાઉન્ટ માં ઘટાડો નોંધાયો છે. જુલાઈમાં ડિસ્કાઉન્ટ પ્રતિ બેરલ 8થી 9 ડોલર મળી રહેતું હતું એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. ડિસ્કાઉન્ટ ઘટી જતા રશિયાનું ક્રુડ તેલ 60 ડોલરથી ઉપર ચાલી ગયું છે.
- Advertisement -
પશ્ચિમી દેશોએ રશિયાના ક્રુડ તેલ માટે 60 ડોલરની ટોચમર્યાદા નિશ્ચિત કરેલ છે. ઓપેક તથા સાથી દેશોએ ઉત્પાદન કાપના કરેલા નિર્ણયથી ડિસ્કાઉન્ટ સમાં ઘટાડો થયો છે. ડિસ્કાઉન્ટ ને કારણે ભારત રશિયાના ક્રુડ તેલ તરફ વળ્યું હતું પરંતુ જ્યારે ભાવ વધી ગયા છે, તો પેમેન્ટસની સમશ્યા ઊભી થઈ શકે છે, એમ પણ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે ભારતની રિફાઈનરીઓ આમપણ પેમેન્ટસ કરવામાં મુશકેલી અનુભવી રહી છે.