છેલ્લા ઘણાં સમયથી અમરેલીના ખાંભા અને સાવરકુંડલા વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા આવતા રહે છે. ત્યારે ગઈકાલે મોડી રાત્રે પણ 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
અમરેલી જિલ્લામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. અમરેલી પંથકમાં મોડી રાત્રે ભૂકંપના આચંકા અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ગઈકાલે રાત્રે મીતીયાળા, સાકરપરા, ધજડી સહિતના ગામડામાં આંચકો અનુભવાયો હતો. સાથે આ ભૂકંપના આંચકો ખાંભા શહેર સહિત ગીરના ગામડાઓ સુધી અનુભવાયો હતો. જોકે, હાલમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે આર્થિક નુકશાનના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઇ
મળતી માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે લગભગ 11:35 અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.4ની માપવામાં આવી છે. તો આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભાડ અને વાંકિયાં વચ્ચે નોંધાયું છે. ગત મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો પોતપોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
ગઈકાલે પણ ધ્રુજી હતી અમરેલીની ધરા
ગઈકાલે સવારે અમરેલીની ધરતી ધણધણી ઉઠી હતી. આ સવારે 9:06 કલાકે અમરેલી પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલીમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી હતી. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી 44 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપને કારણે કોઈ જાનહાનિ કે આર્થિક નુકસાન થયું નહોતું. પરતું વારંવાર આવી રહેલા ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.