સ્ટેન્ડિંગ કમિટીમાં 45 દરખાસ્ત મંજૂર, રૂા. 77.08 કરોડના વિકાસ કામોને બહાલી
મનપા દ્વારા ચાર પ્લોટનું વેચાણ કરી રૂા. 73.81 કરોડની આવક કરી રસ્તા, લાઈટ, ડ્રેનેજ અને બગીચા કોમ્યુનિટી હોલ પાછળ ખર્ચ થશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 45 દરખાસ્તોને સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી છે. જેમાં શહેરના રોડ-રસ્તા, કોમ્યુનિટી હોલ, મશીનરી સાધનો, વરસાદી પાણીના નિકાલ માટે ગટર, ડીઆઈ પાઈપલાઈન, ઝૂના પ્રાણીઓ માટે માંસ સહિતના વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા છે.
શહેરના વોર્ડ નં. 1માં નાણાવટી ચોક પાછળ રામેશ્ર્વર હોલથી નજીક આવતા સંતોષ પાર્ક મેઈન રોડ પર એરકંડીશન હોલ બનાવવામાં આવશે જેથી આ વિસ્તારના લોકોને પ્રસંગોએ વ્યાજબી ભાવે ભાડામાં મોટી સુવિધા ઉપલબ્ધ થશે. શહેરમાં 20મો કોમ્યુનિટી હોલ નિર્માણ પામશે. આ ટેન્ડરની પ્રક્રિયામાં વિનય ઈન્ફોટેકને 5.50 ટકા ઓન સાથે કામ રૂા. 12.08 કરોડમાં એસ્ટીમેટ ફાઈનલ કરવામાં આવ્યું છે. હાલમાં જ શહેરમાં ભળેલા વોર્ડ નં. 12માં વાવડીમાં 1.89 કરોડના ખર્ચે બગીચો બનાવવામાં આવશે.
વોર્ડ નં. 11માં રંગોલી આવાસ તથા નવા રીંગ રોડ સુધી ટી.પી. રોડ પર તથા વોર્ડ નં. 18માં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રૂા. 1.21 કરોડના ખર્ચે સ્ટોર્મવોટર પાઈપલાઈન નાખવામાં આવશે. વોર્ડ નં. 5, 8, 6, 12માં રૂા. 91.31 લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવામાં આવશે. વોર્ડ નં. 10માં વૃંદાવન સોસાયટી મેઈન રોડ પરથી સાંઈબાબા પાર્ક મેઈન રોડ અને પુષ્કરધામ મેઈન રોડથી યુનિ. રોડથી વિમલનગર મેઈન રોડ પર રૂા. 89.96 લાખના ખર્ચે ડી.આઈ. પાઈપલાઈન નાંખવામાં આવશે. વોર્ડ નં. 11માં મવડી ગુરુકુળ મેઈન રોડ કાવેરી પાર્કના છેડે વોંકળામાં રૂા. 13.13 લાખના ખર્ચે રીટેઈનીંગ વોલ બનાવવામાં આવશે. વોર્ડ નં. 11માં રોડ ડેવલોપ કરાશે. વોર્ડ નં. 7, 2માં ડામર રીકાર્પેટ રૂા. 14.57 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. હાઈડ્રોલીક સીસ્ટમથી ઓપરેટ થતી રીક્ષાનો બે વર્ષનો રીપેરીંગ કોન્ટ્રાક્ટ તથા વોર્ડ નં. 4માં ભૂગર્ભ ગટર નિકાલનો રૂા. 78.39 લાખનો ખર્ચ મંજૂર કરેલ છે. વિવિધ કાર્યક્રમો પાછળ રૂા. 13.55 લાખનો ખર્ચ મંજૂર કરેલ છે.
રૂા. 7.77 લાખનો કેમીકલની ખરીદી કરવામાં આવશે. રૂા. 24.17 લાખનો રીબડા ફીલ્ટર પ્લાન્ટ પરની પમ્પીંગ મશીનરી પાછળ ખર્ચ મંજૂર કરેલ છે. વિવિધ વિસ્તારોમાં એલઈડી લાઈટ પાછળનો રૂા. 49 લાખ મંજૂર કરેલ છે.
મનપાના આર્થિક નબળા વર્ગના કર્મચારીઓને વિવિધ બીમારીઓ માટે રૂા. 6.86 લાખનો સારવાર મંજૂર કરેલ છે. નાકરાવાડી ગામના સર્વે નં. 222-પીની જમીનમાં જમા થયેલ કચરાને પ્રોસેસીંગ કરવા પાછળ રૂા. 19.38 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કોઠારીયા, રૈયાધાર અને કે. એસ. ડીઝલ પાસેના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન માટે 16 લોડર અને 20 ડમ્પર નવા વાહનો લેવામાં આવશે તથા ગાર્બેજ ટ્રાન્સફરનો મેઈનટેન્સ સહિતનો રૂા. 22.89 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મનપાના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ માટે મટનનો ખોરાક આપવા માટે બે વર્ષનો રૂા. 96 લાખનો ખર્ચ કરવામાં આવશે. આજની મળેલી દરખાસ્તો કુલ 45 દરખાસ્તોમાં રૂા. 77.08ના વિકાસ કામોને બહાલી આપી છે.
જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જુદી જુદી નગર રચના યોજના હેઠળના વાણિજ્ય હેતુના 4 અનામત પ્લોટોની જમીન કુલ 21194 ચો.મી. થાય છે જે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડને વેંચાણ આપવાથી રૂા. 73.81 કરોડની આવક થશે.