85 વર્ષની જેફ વયે અવસાન થયું: અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં જોડાયા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢના પાંચમી લોકસભાનાં સાંસદ અને અગ્રણી કેળવણીકાર નાનજીભાઇ વેકરીયાનું ગત મોડી રાત્રે નિધન થતા સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર 1969માં જૂનાગઢ જૂનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટની સ્પાપના કરી નાનજીભાઇ વેકરીયાએ વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમોની કોલેજ શરૂ કરી હતી. આ ટ્રસ્ટના તેઓ આજીવન પ્રમુખ રહ્યા હતા. દરમિયાન વર્ષ 1971માં પાંચમી લોકસભામાં તેઓ કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી લોકસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં 55,000 મતની લીડથી જીત્યા હતા. તેઓ અમદાવાદ ખાતે તેમની પૌત્રી કોશાબેનના લગ્ન પ્રસંગે ગયા હતા જ્યાં રાત્રિના ક્ધયાદાન આપ્યા બાદ સવારે 11 વાગ્યે અંતિમશ્ર્વાસ લીધા હતા. બાદમાં તેમના નશ્ર્વરદેહને જૂનાગઢ લવાયો હતો. તેમની અંતિમયાત્રામાં સાઘુ, સંતો, સામાજીક અને રાજકીય અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
- Advertisement -
તેમની અંતિમ સંસ્કાર વિધી તેમની કર્મભૂમિ એન.કે. વેકરીયા કોલેજ ખાતે તેમના જ્યેષ્ઠ પુત્ર સુરેશભાઇ વેકરીયા, પુત્રવધુ કવિતાબેન વેકરીયા, બીજા પુત્રવધુ જાગૃતિબેન રમેશભાઇ વેકરીયા, રમેશભાઇ વેકરીયા તેમજ પૌત્રો દ્વારા કરાઇ હતી સાથે સાથે તેમના શૈક્ષણિક સંસ્થાનમાં કામ કરતા શિક્ષક ગણ સહિતના અન્ય સ્ટાફ સાથે પણ જીવન પર્યંત આત્મીયતા કેળવી નજીકના દરેકના હૃદયમાં દાદાનુ સ્થાન મેળવનાર સંસ્થાના કર્મચારી વર્ગ તેમજ જૂનાગઢના શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામના વડીલ માર્ગદર્શક બનેલ, નાનજીભાઇ વેકરીયાને અશ્રુ ભીની વિદાય આપી હતી.
તેમના જીવન દરમિયાન ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હતા જે સીધી અથવા આડકતરી રીતે તેમના માર્ગદર્શનમાં જીવન ઘડતરના પાઠ શીખ્યા હતા. તેવો મોટો વિદ્યાર્થી વર્ગ પણ તેમની વિદાયથી હીબકે ચડ્યો હતો ઉપસ્થિત નાના મોટા સૌએ તેમની સાથે વિતાવેલી ક્ષણોની યાદગાર ઝરમર વાગોળી હતી. ઉપસ્થિત તમામે એક વડીલ માર્ગદર્શક, તંદુરસ્ત રાજકારણના સ્વપ્ન દ્રષ્ટા, સાથે કદી ન ભૂલી શકાય તેવા કેળવણી કાર,ગુમાવ્યા હોવાની લાગણી અનુભવી હતી.