નવસારી અને અંચેલી વિધાનસભા મત વિસ્તારનાં ગામોએ ટ્રેનની માંગ સાથે મતદાન ન કરવાનું એલાન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષકારોમાં હલચલ મચી રહી છે. અનેક પાર્ટીમાં પક્ષ પલટો અને ઉમેદવારોની નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીની તૈયારીઓમાં દરેક પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ દરમિયાન ગુજરાતના 18 ગામોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. આ લોકો લોકલ ટ્રેનની માંગ કરી રહ્યા છે. કોરોના મહામારી દરમિયાન બે વર્ષ પહેલા અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનનું સંચાલન બંધ કરવામાં આવ્યું હતું. હવે આ લોકો આ સ્ટેશન પર લોકલ ટ્રેનની સેવા પુન:સ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, જો ટ્રેન ન હોય તો વોટ ન મળે કારણ કે આના કારણે તેઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમને ખાનગી વાહનમાં મુસાફરી કરવા માટે રોજના 300 રૂપિયા ખર્ચવા પડે છે.
- Advertisement -
રેલ્વે યુઝર્સ એડવાઈઝરી કમિટીના ઝોનલ મેમ્બર છોટુભાઈ પાટીલે કહ્યું કે, અહીં લોકોએ હાથમાં પોસ્ટર લઈને વોટ ન આપવાની જાહેરાત કરી છે. ઘણા લોકો પ્રદર્શન કરી રહ્યા છે.
તેના હાથમાંના પોસ્ટરો પર ’નો ટ્રેન, નો વોટ’ લખેલું છે. એટલું જ નહીં આ લોકોએ તમામ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર માટે ગામની મુલાકાત ન લેવા પણ કહ્યું છે. છોટુભાઈએ જણાવ્યું હતું કે, અમે રેલવે મંત્રીને અનેકવાર વિનંતી કરી છે પરંતુ હવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે અને જે ઈવીએમ મશીન મતદાન માટે આવશે તેને પરત ખાલી જ મોકલી દેવામાં આવશે.
નવસારી અને અંચેલી વિધાનસભા મત વિસ્તારના અન્ય ગામોના રહેવાસીઓએ ગુજરાત ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે અને ચૂંટણી પ્રચાર માટે રાજકીય નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે કારણ કે, અંચેલી રેલ્વે સ્ટેશન પર લોકલ ટ્રેનો રોકવાની તેમની માંગ હજુ સુધી સંતોષવામાં આવી નથી.
લોકોને અહીં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, નિયમિત મુસાફરોને હવે ખાનગી વાહનો લેવાની ફરજ પડી રહી છે અને તેઓને રોજિંદા 300 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. હિતેશ નાયક નામના વ્યક્તિએ માહિતી આપી છે. કોલેજની વિદ્યાર્થીની પ્રાચી પટેલે જણાવ્યું હતું કે, આ સમસ્યાને કારણે તેને અભ્યાસમાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે તેણે સવારે તેનું એક લેક્ચર ચૂકી જવું પડે છે.