નવચેતન અને ચાંપશી ઉદેશી
1 એપ્રિલ, 1922ના રોજ નવચેતન સામયિક શરૂ થયું હતું. લેખક-પત્રકાર ચાંપશી ઉદેશીએ નવચેતન સામયિક એકપણ રૂપિયાની મૂડી વિના શરૂ કર્યું હતું. નવચેતન વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક હતું. 1922થી 1940 સુધી તેનું વાર્ષિક લવાજમ છ આના હતું. દૃતિય વિશ્વયુદ્ધ બાદ નવચેતનનું વાર્ષિક લવાજમ સાડા સાત રૂપિયા કરી નાખવામાં આવ્યું હતું. નવચેતન રોયલ આઠ પેજી સાઈઝમાં સચિત્ર વાંચન સાથે 48 પાનાંમાં પ્રગટ થતું હતું. નવચેતનમાં દર અંકે ત્રિરંગી કે દ્વિરંગી ચિત્રો પ્રગટ થતા હતા. નવચેતનની સામગ્રી અને સચિત્રતા એ સમયના માતબાર સામયિકોને પડકાર આપનારી હતી. ખાસ કરીને ગુજરાત સામયિક અને નવચેતન સામયિક વચ્ચે બરાબરની હરિફાઈ જામતી હતી જેમાં ઘણીવાર નવચેતન તો કેટલીકવાર ગુજરાત ચઢિયાતું સાબિત થતું હતું. આ બંને સામયિકોની હરિફાઈનો ભરપૂર ફાયદો તેના ગ્રાહકોને મળતો હતો. ગુજરાતી પત્રકારત્વના માધ્યમથી સાહિત્યનું સ્તર સુધારવામાં, નવોદિતોને લખવાની તક આપવામાં, વાંચકોને અવનવી લેખન સામગ્રી પીરસવામાં નવચેતન અને ગુજરાતી સામયિકની પ્રમુખ ભૂમિકા રહી હતી.
- Advertisement -
નવચેતન સામયિકને સાત વર્ષ પૂર્ણ થયા ત્યા સુધીમાં તે 10000 રૂપિયાની ખોટ કરી ચૂક્યું હતું. દર મહીને પ્રગટ થતું અને 1400 જેટલા ગ્રાહકો ધરાવતું હોવા છતાં ત્રિરંગી ચિત્રો, લેખોની સચિત્રતા, કોલકાતામાં મોંઘી પડતી ગુજરાતી મુદ્રણની છપાઈ વગેરે કારણોસર ચાંપશી ઉદેશી માટે નવચેતન ચલાવવું અઘરું પડી રહ્યું હતું. ચાંપશી ઉદેશીએ આર્થિક કટોકટી અને બીજા વિશ્વયુદ્ધ વચ્ચે 1942થી 1945 સુધી નવચેતન કોલકાતાથી વડોદરા લાવી પ્રગટ કરવાનું શરૂ કર્યું હતું. સાડા ત્રણ વર્ષ સુધી વડોદરામાંથી પ્રગટ થયા બાદ ફરી 1946થી નવચેતન પુન: કોલકાતાથી પ્રગટ થવા માંડ્યું હતું. બે વર્ષ બાદ એટલે કે ઓગષ્ટ, 1948માં ફરી નવચેતનનું નવું સરનામું અમદાવાદ બની ગયું હતું. નવચેતન અમદાવાદથી પ્રગટ થવાનું શરૂ થયા બાદ ચાંપશી ઉદેશીને મુકુંદ શાહનો સાથ-સહકાર મળ્યો હતો. ચાંપશી ઉદેશી અને મુકુંદ શાહની જોડી નવચેતનને નવચેતન આપવામાં સફળ રહી હતી. મુકુંદ શાહે ચાંપશી ઉદેશીની હાજરી અને ગેરહાજરી બંનેમાં નવચેતનને સંપૂર્ણ ન્યાય આપી ગુજરાતી સંસ્કારિતા અને સાહિત્યિક આબોહવાને જીવંત રાખતું સામયિક બનાવ્યું હતું. નવચેતન પછી મુકુંદ શાહ ચાંપશી ઉદેશીના બીજા માનસ પુત્ર કહેવાયા લાગ્યા હતા.
માત્ર સાહિત્યના માસિક તરીકેની જ ઓળખ ન ધરાવે તે માટે નવચેતનમાં ધર્મ, અધ્યાત્મ, વિજ્ઞાન, ભૂગોળ, ગણિત, ઈતિહાસ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, ફિલ્મ વિવેચન, રમતગમત આદિ અનેક વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?
ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક
કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે, આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું
- Advertisement -
વિષયો પરના લેખો, વાર્તાઓ, લઘુનવલકથાઓ અને ધારાવાહિક નવલકથાઓ પ્રસિદ્ધ કરવામાં આવતી હતી. નવચેતનમાં કુ.મો. ઝવેરી, ચંદ્રશંકર પંડ્યા, શયદા, હરગોવિંદ કાંટાવાળા, લલિત, ધૂમકેતુ, બરુભાઈ ઉમરવાડીયા, દેશળજી પરમાર, વિજયરાય, આઈ.એસ.જે. તારાપોરવાળા, કેશવશેઠ, કુસુમાકર, મસ્તફકીર, બ.ક. ઠાકોર, રંગીલદાસ કાપડિયા, ગોકુલદાસ રાયચુરા, ધનસુખલાલ મહેતા વગેરે લેખકો શરૂઆતમાં લખતા હતા. નવચેતનમાં રવિશંકર રાવલ, પુરુષોત્તમ દત્તાત્રેય, ધુરંધર, રવિશંકર પંડિત, હેમેન્દ્રનાથ મજુમદાર, કનુ દેસાઈ વગેરે ચિત્રકારો આરંભમાં ચિત્રો દોરતા હતા. ચાંપશી ઉદેશીએ નવચેતન દ્વારા ઘણા નવા લેખકો – પત્રકારો – ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું. નવોદિતોને પ્રોત્સાહન સાથે વાંચકોને શિષ્ટ અને સંસ્કારી વાંચન સામગ્રી પીરસવું એ નવચેતનની નીતિ. અને નવચેતનની કાર્યપ્રણાલી વિશે તો શું કહેવું?
કોઈ જ સંસ્થા કે ટ્રસ્ટની મદદ વિના માત્ર ગ્રાહકો – લવાજમના આધારે સામયિક ચલાવવું એ અઘરું નહીં, અશક્ય છે. આમ છતાં ચાંપશી ઉદેશીએ એકલા હાથે અશક્યને શક્ય કરી બતાવ્યું હતું. ચાંપશી ઉદેશી કોલકાતામાં હતા ત્યારે તેમણે ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી નાટકો ભજવ્યાં હતા અને તેમનું દિગ્દર્શન પણ કર્યું હતું. કોલકાતામાં 1936માં ચાંપશી ઉદેશીએ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી હતી. ચાંપશી ઉદેશી નવચેતન ચલાવવા નાનું-મોટું કઈપણ કામકાજ કરી લેતા હતા.
સાહિત્યિક પ્રવૃત્તિમાંથી જે થોડાઘણા પૈસા મળતા તે ચાંપશી ઉદેશી નવચેતન સામયિકના મુદ્રણ, પ્રકાશન, લેખકોના પુરસ્કાર પાછળ ખર્ચી નાખતા હતા. ચાંપશી ઉદેશીની નવચેતનને ચલાવવા માટેની મહત્વકાંક્ષા એવી કે તેમણે તનતોડ મહેનત કરીને પણ નવચેતનને બંધ પડવા દીધું ન હતું. આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ નવચેતનનું પ્રકાશન ચાંપશી ઉદેશીએ મરણ પર્યંત અવિરત ચાલુ રાખ્યું હતું. ચાંપશી ઉદેશીના અવસાન બાદ નવચેતનની સંચાલન – સંપાદનની સઘળી જવાબદારી મુકુંદ શાહે સંભાળી લીધી હતી. આગળ જતા મુકુંદ શાહને સ્વાસ્થ્ય સંબંધી તકલીફ થતા તેમણે નવચેતનની જવાબદારી પ્રીતિ શાહને સોંપી દીધી હતી. બાર વર્ષ સુધી નવચેતનની જવાબદારી સુપેરે સંભાળ્યા બાદ પ્રીતિ શાહે નવચેતનની જવાબદારી રજની વ્યાસને સોંપી દીધી હતી. રજની વ્યાસ બાદ નવચેતનનું સંચાલન – સંપાદન યશવંત મહેતા સંભાળતા આવ્યા છે.
ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કોલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદેથી શરૂ કરેલું નવચેતન સાહિત્યિક માસિકનું પ્રકાશન કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ચાંપશી ઉદેશીએ પશ્ચિમ બંગાળથી ગુજરાત આવીને નવચેતન સામયિક શરૂ કર્યા બાદ તેને ચાલુ રાખવા માટે એકવાર પત્નીના દાગીના વેચવા પડ્યા હતા તો એક સમયે તેઓ આપઘાત કરવા પણ તૈયાર થઈ ગયા હતા. ચાંપશી ઉદેશીએ નાટ્યસેવા બદલ મળેલો સુવર્ણચંદ્રક મારવાડીને વેંચી નાખેલો, માત્ર નવચેતન ચાલતું રહે તે માટે. રવિશંકર રાવલથી લઈ ઘણા હિતેચ્છુઓએ ચાંપશી ઉદેશીને નવચેતન શરૂ ન કરવા કે આગળ ન ચલાવવાની સલાહ આપી હતી. તમામ અડચણો વચ્ચે ચાંપશી ઉદેશીએ નોંધ્યું હતું કે, ’મારું મન પાછું ફરી ન જાય કે મારાથી હિંમત હારી ન જવાય એ માટે મેં હાથમાં પાણી લઈ સંકલ્પ કર્યો કે ગમે તેટલા કષ્ટો આવે પણ પ્રાણાન્ત સુધી નવચેતનને નિભાવવું ને જીવાડવું.’ ચાંપશી ઉદેશીની આ નોંધ આજે ગુજરાતી પત્રકારત્વની બે સદીના ઈતિહાસમાં અમર બની ગઈ છે. ચાંપશી ઉદેશી ચેતનવંત નથી રહ્યા પરંતુ તેમનું માસિક નવચેતન હજુ પણ ચેતનવંત છે. ગુજરાતી પત્રકારત્વની બે સદીના અંતે સો વર્ષની યાત્રા પૂર્ણ કરનારું સામયિક નવચેતન એ એક એવું સામયિક છે જે શરૂ થતાની સાથે જ બંધ થવાનું હતું, આજે નવચેતન એ એક એવું સામયિક બની ગયું છે જેણે પ્રકાશનના સો વર્ષ પૂર્ણ કરી એકસો એકમાં વર્ષમાં પ્રવેશ કરી લીધો છે!
વધારો : 24 એપ્રિલ, 1892માં મોરબી પાસેના ટંકારા ગામમાં જન્મેલા ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીનું 26 ફેબ્રુઆરી, 1974 અમદાવાદમાં નિધન થયું હતું. ચાંપશી ઉદેશીએ પહેલા કવિતાઓ લખેલી, પછી નાટકો અને નવલકથાઓ લખ્યા હતા. શિક્ષક બન્યા બાદ સપનું સેવ્યું કે સારું સચિત્ર સામયિક પ્રકાશિત કરવું. પ્રતિજ્ઞા લીધી કે ‘મારા પ્રાણનું અમી મારા માસિક નવચેતનમાં સિંચીશ.’ ગુજરાતી પત્રકારત્વમાં નવચેતન સામયિકના પ્રકાશન સિવાય તેમણે સાહિત્યના ઘણા પુસ્તકો લખ્યાં છે. કાવ્યકલાપ (કાવ્યસંગ્રહ) 1918, જંજીરને ઝણકારે (નવલકથા) 1925, તાતી તલવાર (નવલકથા) 1928, આશાની ઈમારત (નવલકથા) 1930, નસીબની બલિહારી (નવલકથા) 1934, માનવહૈયાં (નવલકથા) 1943, મધુબિંદુ (વાર્તાસંગ્રહ) 1945, સ્મૃતિસંવેદન (આત્મકથા) 1954, જીવનઘડતર (ચિંતનલેખો) 1968, જીવનમાંગલ્ય (ચિંતનલેખો) 1970, જીવનવિકાસ (ચિંતનલેખો) 1973, હૈયું અને શબ્દ (કાવ્યસંગ્રહ) 1973 વગેરે ચાંપશી ઉદેશીના જાણીતા પુસ્તકો છે.