7.54 લાખનો મુદામાલ જપ્ત, બુટલેગરો ફરાર
ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં ટ્રેકટર સાથે જોડેલા પાણીના ટેન્કરમાં વિદેશી દારૂ છુપાવીને રાખ્યો હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ત્રાટકી હતી અને બે લાખથી વધુના ઈંગ્લીશ દારૂ અને બિયર સહિત કુલ રૂ.7.54 લાખનો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસના દરોડા પડે તે પહેલાં જ બુટલેગરોને ગંધ આવી જતા તેઓ ફરાર થઇ ગયા હતા જેમને ઝડપી લેવા પોલીસ દ્વારા તજવીજ આરંભાઈ છે. મોરબી જીલ્લામાં બુટલેગરો દારૂની હેરાફેરી માટે અવનવી તરકીબ અજમાવતા હોય છે ત્યારે એક બુટલેગરે દારૂના વેચાણ માટે નવતર કીમિયો અપનાવ્યો હતો જેમાં મોરબી તાલુકાના માનસર ગામની સીમમાં નારણકા રોડની ખુલ્લી જગ્યામાં એક ટ્રેકટર જે પાણીના ટેન્કર સાથે જોડેલું છે તે પાણીના ટેન્કરમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલો છે અને તે ટેન્કર બુટલેગરો સગેવગે કરવાની પેરવીમાં છે તેવી બાતમી મળતા તુરંત જ મોરબી તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડીને ટ્રેકટર સાથે જોડેલા ટેન્કરમાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડનો 2.04 લાખનો દારૂ, બિયરનો જથ્થો તેમજ રૂ.50 હજારની કિંમતનું સાથે જોડેલું પાણીનું ટેન્કર મળી કુલ રૂ. 7.54 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને ફરાર થઈ ચૂકેલા બુટલેગરને ઝડપી લેવા તજવીજ શરુ કરી હતી.