નાશભાગ થઇ : કેટલીક ખુરશી તુટી ગઇ : જાનહાની ટળી
ખાસ-ખબર સંવાદદાતા
માંગરોળ તાલુકાના શેખપુર ગામે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત મિટિંગમાં અચાનક બળદ ગાડું ઘૂસી જતા નાશભાગ મચી હતી. બાજુમાંથી પસાર થતા બળદ ગાડાના બળદો લાઉડ સ્પીકરના કારણે ભડક્યાં હોવાથી મિટિંગ ચાલુ હતી, તે સ્થળે ઘૂસી ગયા હતા. થોડીવાર માટે લોકોના શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. ભડકેલા બળદોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી. એકાએક બળદ ગાડું ઘૂસી જતા ગ્રામજનો ડઘાઈ ગયા હતા અને ચાલુ મિટિંગમાં અફરા-તફરી સર્જાઇ હતી. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી હોય ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માંગરોળ – માળિયા વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારનું નામ જાહેર કરી દેવામાં આવ્યું હોય એવામાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત શેખપુર ખાતેની મિટિંગમાં આ ઘટના ઘટવા પામી હતી.