શાખાનું ગ્રાઉન્ડ મેળવવાના આવેદન બાદ કાર્યવાહી ન થતાં સોમાણીનો પરિવાર પણ ઉપવાસ પર ઉતર્યો
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેર નગરપાલિકાનું વિસર્જન કરીને વહીવટદાર નીમવામાં આવ્યા છે જેઓ હાલ તમામ વહીવટ સંભાળી રહ્યા છે ત્યારે વાંકાનેરમાં ગણેશ ઉત્સવ અને નવરાત્રી મહોત્સવ માટે આ વખતે નગરપાલિકાએ ગ્રાઉન્ડ ટોકન ભાવે ન આપતા ભાજપ અગ્રણી જીતુ સોમાણીએ મોરચો માંડ્યો છે અને આવેદન આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થતાં અંતે જીતુભાઈએ સોમવારથી ઉપવાસ આંદોલન શરુ કર્યું છે જોકે આજે જીતુભાઈના પરિવારના સભ્યો પણ તેના સમર્થનમાં આવીને ઉપવાસ પર ઉતર્યા છે અને આગામી સમયમાં અલગ અલગ સામાજીક સંસ્થાઓ પણ જીતુભાઈના સમર્થનમાં આવવાની હોવાનું જાણવા મળ્યું છે. જીતુભાઈ સોમાણીએ વાંકાનેર નગરપાલિકાના વહીવટદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ગત તા. 30 જુલાઈના રોજ જનરલ બોર્ડમાં જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને નવરાત્રી માટે શાખાનું ગ્રાઉન્ડ ધાર્મિક હેતુ માટે માંગેલ જે જનરલ બોર્ડે ત્રણેય કાર્યક્રમ માટે મંજુરી આપી રૂ. 5000 ટોકન રેટથી સર્વાનુમતે મંજુર કર્યું છે. જે ગ્રાઉન્ડ આપવામાં આવેલ છે તે અંગે નગરપાલિકા દ્વારા રકમ ભરવાની ખબર આપવામાં આવી નથી કે મંજુરી પત્ર આપવામાં આવ્યો નથી. જો નગરપાલિકાને ધાર્મિક ઉત્સવમાં હરાજી જ કરવી હોય તો વાંકાનેર પાલિકાની માલિકીની જમીન જેવી કે રોડ રસ્તા, ચોક કે ખુલ્લી જગ્યા પર અનેક કાર્યક્રમ થાય છે ત્યારે બધી જગ્યાએ હરાજી થવી જોઈએ તેવી માંગ કરી છે.
- Advertisement -
જીતુ સોમાણી દ્વારા જે ગ્રાઉન્ડ માંગવામાં આવેલ છે તે હિંદુ ધર્મના ધાર્મિક ઉત્સવ માટે માંગ્યું છે. આરએસએસનું ગ્રાઉન્ડ હિંદુ ધર્મના ઉત્સવ માટે માંગ્યું છે અને વર્ષોથી અહીં ઉત્સવોની ઉજવણી કરવામાં આવી રહી છે જેથી ધાર્મિક મહોત્સવ માટે ગ્રાઉન્ડ રવિવારે સાંજ સુધીમાં આપવા માંગ કરી હતી અને જો ગ્રાઉન્ડ નહીં આપવામાં આવે તો તા.22 ને સોમવારથી પોતાની ભાગીદારી પેઢીની જગ્યા શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત જીતુભાઈ સોમાણીએ ઉપવાસ આંદોલન શરુ કરી દીધું છે અને ધાર્મિક મહોત્સવ માટે ગ્રાઉન્ડ આપવા માંગ કરી છે. માંગ ન સ્વીકારાય ત્યાં સુધી લડી લેવા હુંકાર કર્યો છે.