ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે અને તેના મતે એક દિવસ તાઈવાન તેમનો હિસ્સો બની જશે, જ્યારે તાઈવાન પોતાને આઝાદ દેશ માને છે
ખાસ-ખબર સંવાદદાતા
ચીનની તમામ ધમકીઓની અવગણના કરીને અમેરિકી સ્પીકર નેન્સી પેલોસી આખરે તાઈવાન પહોંચી ગયા છે. જોકે તેમના આ પ્રવાસથી અકળાયેલા ચીને હવે તાઈવાન પરની ભીંસ જાળવી રાખવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે. ચીને તાઈવાનથી આયાત કરવામાં આવતા ખાટાં ફળો, સફેદ ધારવાળી હેયરટેલ માછલી અને ફ્રોઝન હોર્સ મૈકેરલ માછલીની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. અગાઉ ચીને પોતે ઓગષ્ટ મહિનાથી તાઈવાનને પ્રાકૃતિક રેતીની નિકાસ પર પ્રતિબંધ મુકી દેશે તેમ જણાવ્યું હતું.
- Advertisement -
તાઈવાનની 6 બાજુએ ચીનનો સૈન્ય અભ્યાસ
અમેરિકાના ત્રીજા નંબરના સૌથી શક્તિશાળી વ્યક્તિ એવા સ્પીકર નેન્સી પેલોસી મંગળવારે રાતે 8:14 કલાકે તાઈવાન પહોંચ્યા હતા. તેમની ફ્લાઈટ લેન્ડ થઈ ત્યાર બાદ તરત જ ચીને તાઈવાનમાં ટાર્ગેટેડ મિલિટ્રી એક્શન્સ એટલે કે, સૈન્ય અડ્ડાઓ પર નિશાન સાધવાની વાત કરી હતી. પેલોસી તાઈવાન પહોંચ્યા ત્યાર બાદ ચીને ગુરૂવારે તાઈવાનની 6 બાજુએ સૈન્ય અભ્યાસનું એલાન કર્યું છે. તે ડ્રિલમાં ઉં-20 સ્ટીલ્થ ફાઈટર્સ જેટ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે.
ચીન-તાઈવાન વિવાદનું કારણ
તાઈવાન અને ચીન વચ્ચેનો જંગ ખૂબ જ લાંબા સમયથી ચાલી આવે છે. 1949માં કોમ્યુનિસ્ટ પાર્ટીએ સિવિલ વોરમાં વિજય મેળવ્યો હતો. ત્યારથી બંને ક્ષેત્રો પોતપોતાને એક દેશ માને છે પરંતુ વિવાદ એ વાતનો છે કે, રાષ્ટ્રીય નેતૃત્વ કઈ સરકાર કરશે. ચીન દ્વારા તાઈવાનને પોતાનો પ્રાંતમ માનવામાં આવે છે. જ્યારે તાઈવાન પોતાને એક આઝાદ દેશ માને છે. બીજા વિશ્વ યુદ્ધ બાદ બંને વચ્ચે અણબનાવની શરૂઆત થઈ હતી. તે સમયે ચીનના મેનલેન્ડમાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી તથા કુઓમિતાંગ વચ્ચે જંગ ચાલતો હતો.
તાઈવાનમાં ચૂંટાયેલી સરકાર, પોતાનું બંધારણ
1940માં માઓ ત્સે તુંગના નેતૃત્વમાં કોમ્યુનિસ્ટોએ કુઓમિતાંગ પાર્ટીને હરાવી હતી. હાર બાદ કુઓમિતાંગના લોકો તાઈવાન પહોંચ્યા હતા. તે જ વર્ષે ચીનનું નામ ’પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના’ તથા તાઈવાનનું નામ ’રિપબ્લિક ઓફ ચાઈના’ પડ્યું હતું. ચીન તાઈવાનને પોતાનો પ્રાંત માને છે અને તેના મતે એક દિવસ તાઈવાન તેમનો હિસ્સો બની જશે. જ્યારે તાઈવાન પોતાને આઝાદ દેશ માને છે. તેનું પોતાનું બંધારણ છે અને ત્યાં ચૂંટાયેલી સરકાર છે.