ભવનાથમાં જેનો રોટલો અને ઓટલો મોટા છે એવા પૂજ્ય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત
સંતોની પાવન ભૂમિ ભવનાથ અને અહીં આવેલો ઊંચો ગઢ ગિરનાર. કે જ્યાં દત્ત, દાતાર અને માં અંબાનાં બેસણા છે. નવ નાથ અને ચોર્યાસી સિદ્ધનો જ્યાં વાસ છે. નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ ગુરૂ શ્રીગોરક્ષનાથનો ધુણો ગીરનાર પર્વત ઉપર આવેલ છે. નાથ સંપ્રદાયની પરંપરા અને તેના વિચારો જનમાસ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય પુ.યોગી શેરનાથજી બાપુ કરી રહ્યાં છે. ભવનાથમાં આવેલા પુ.શેરનાથજી બાપુનાં આશ્રમ શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં નાથ સંપ્રદાયની પરંપરાની જ્યોત પ્રગટી રહી છે. અહીં આવતા ભક્તો, પ્રવાસીઓ ક્યારે ભુખ્યા પેટે જતા નથી. કસમયે પણ શાળા કે પ્રવાસીઓને બસ આવી પહોંચ તો પણ અહીં ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. એટલે જ કહેવાય છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો(ભોજન) અને ઓટલો(રહેણાંક) મોટો છે.એવા પૂજ્ય અને પ્રાત: સ્મરણીય યોગી શેરનાથજી બાપુની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત…
- Advertisement -
ભુખ્યાને ભોજન કરાવવું એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. સૌરાષ્ટ્રમાં વિશેષ સ્વરૂપે આ કાર્ય થઇ રહ્યું છે. સંસારી તો ઠીક પરંતુ ભગવાધારી સંતોએ આ પરંપરાની જ્યોત અવીચલ ઝળહળતી રાખી છે. અન્નક્ષેત્રો, આશ્રમોમાંથી કોઇ ભુખ્યા પેટે જતું નથી. આવી જ ભેખ ભવનાથમાં પૂજ્ય યોગી શેરનાથજી બાપુએ ધારણ કરી છે. ભાવનાથમાં પુ.યોગી શેરનાથજી બાપુ ગુરૂ ત્રિલોકનાથજી બાપુનો આશ્રમ આવેલો છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમ નામથી પણ વિશ્ર્વ પ્રખ્યાત અને પ્રસિધ્ધ છે. આ આશ્રમમાં સેવાની જ્યોત પ્રગટી રહી છે. આ ભાગીરથ કાર્ય પૂજ્ય યોગી શેરનાથજીબાપુ અવિરત પણે કરી રહ્યાં છે. ગુજરાતભરનાં લોકો માની રહ્યાં છે કે, ભવનાથમાં યોગી શેરનાથજી બાપુનો રોટલો અને ઓટલો મોટો છે. અહીં આવતા લોકો કયારે પણ ભુખ્યા જતા નથી.
ભવનાથમાં આવતા શાળાની બસ હોય કે રાજસ્થાન, હરિયાણા કે અન્ય રાજયમાંથી આવતી પ્રવાસીઓની બસ હોય કસમયે અહીં આવે તો પણ તેમને પ્રસાદ મળી રહે છે. શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ બે હજાર લોકો ભોજન લે છે. તેમજ શનિવાર અને રવિવારનાં આ સંખ્યા 4 હજારે પહોંચી જાય છે. આ ઉપરાંત શિવરાત્રી અને પરિક્રમા દરમિયાન લાખો ભાવિકો અહીં પ્રસાદ લે છે. ઇશ્ર્વરની અનુભુતી અંગે પુ. યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે,ગુરૂ મહારાજ કહેતા હતા કે, વ્યક્તિ, સાધકનાં મન, બુદ્ધી, અહંકાર નિર્મળ બને, શુદ્ધ બને ત્યારે અંત:કરણની શુદ્ધતાનાં કારણે સાધકને, સંતને ઇશ્ર્વરત્વ, પરબ્રહ્મની અનુભુતી થાય છે. અનુભુતી આપણી અંદર રહેલા જીવાત્માની ચેતના આપણને ગુરૂકૃપા દ્વારા નિજાનંદ, અખંડાનંદ, પરમાનંદની અનુભુતિ કરાવે છે. શરીરની અંદર રહેલ જીવ આત્મા જ પરમાત્મા સ્વરૂપે છે. પરમાત્મા વ્યાપક અને જીવ, પ્રાણી માત્રમાં રહેલી ચેતના એ જ પરમાત્માનું સ્વરૂપ છે. ગીતમાં પણ કહ્યું છે અણુઅણુમાં પ્રતિમા(મુર્તિમાં), નીરાકાર,આકાર સ્વરૂપે પરમાત્મા રહેલો છે. આવી અનુભુતી ઇશ્ર્વર પ્રત્યેની છે. ઇશ્ર્વરીત્વ અવતાર સ્વરૂપે પણ હોય શકે અને પરમાત્મા સ્વરૂપે પણ હોય. તેમજ સંત,ભક્ત સ્વરૂપે પણ હોય શકે છે. નાથ સંપ્રદાય અને આદેશ અંગે પુ. યોગી શેરનાથજીબાપુએ કહ્યું હતું કે, નાથ સંપ્રદાયનાં સંતો, સેવકો જયારે મળે છે. ત્યારે એક બીજાને આદેશ કહે છે.
- Advertisement -
જેમ રામ-રામ, સીતારામ, જયશ્રીકૃષ્ણ કહેવાની પરંપરા હોય તેમ નાથ સંપ્રદાયમાં આદેશ કહે છે. આદેશ શબ્દનો અર્થ છે અવતાર પહેલા જે સ્વરૂપ તત્વ હતું. આદેશ એટલે જીવ અને જગતની એકાત્મકતાથી પરમાત્મા સાથે એક લીન થવાની પ્રક્રિયા. નાથ સંપ્રદાયનો ઉલ્લેખ વેદો, દ્વાપર યુગ,ત્રેતા યુગમાં જોવા મળે છે. નાથ સંપ્રદાયમાં ગોપીચંદ જેવા સંતો થઇ ગયા છે. રાજા ભર્તુહરીનો વિક્રમ સંવતની શરૂઆતથી ઉલ્લેખ જોવા મળે છે. નાથ સંપ્રદાય પ્રાચીન અને શીવ પરંપરા છે. જેનો ઉદ્ેશ આ જીવને શીવ સાથે અને આત્માને પરમાત્મા સાથે અનુભુતી કરાવવી. તેમજ સમાજ વચ્ચે રહી ગુરૂનાં ચરણોમાં આવી શિક્ષા અને દિક્ષા ગ્રહણ કરી આચાર,વિચાર અને વિવેક દ્વારા બહુજનહિતોનો માર્ગ આપનાવી, સવાર-સાંજ આરાધના, પ્રાર્થના, કર્મકાંડ કરી પોતાની અંતરમુળ વૃતિઓને ત્યાગી સમાજનું કલ્યાણ કરવું. પછી સમાજ સેવાનું કાર્ય હોય, શિક્ષણ હોય, ગૌ સેવા હોય, સદાવ્રત હોય તેના માટે તિર્થ સ્થાન, યાત્રા સ્થાને આશ્રમો સ્થાપ્યાં છે.
ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે: યોગી શેરનાથજી બાપુ
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ગુરૂ ગોરક્ષનાથ બાળ સ્વરૂપ છે.નાથ સંપ્રદાયનાં ઇષ્ટદેવ માનવામાં આવે છે. ગુરૂ ગોરક્ષનાથ પછી નવ નાથનો ઉલ્લેખ મળે છે.નાથ પરંપરા પ્રાચીન છે. ગિરનાર પર્વત ઉપર ગોરખ ધુણો પ્રસિધ્ધ છે. ગીર સોમનાથ જિલ્લામાં ગોરખ મઢી આવેલી છે. પોરબંદર જિલ્લામાં પણ સ્થાન આવેલું છે. ચોટીલા પાસે પંચાળમાં પણ જગ્યા પ્રસિધ્ધ છે. ગુરૂ ગોરક્ષનાથ ભગવાન શિવ સ્વરૂપ છે. બાળ યોગી છે. ભારતભરમાં પ્રાચિન સમયથી પ્રસિધ્ધ છે. આજે પણ મઠ, આશ્રમો,મંદિરો નાથ યોગી અને નાથ સેવકોનાં નામથી પ્રસિધ્ધ થયેલા છે.
યોગી શેરનાથજી બાપુએ 20 વર્ષની ઉંમરે દિક્ષા લીધી: નાથ સંપ્રદાય અને પરંપરા માટે જીવન સમર્પણ કર્યું
શ્રી ગોરક્ષનાથ આશ્રમમાં દરરોજ 2 હજાર લોકો પ્રસાદ લે છે: શિવરાત્રિ, પરિક્રમામાં લાખો ભાવિકો આવે
શાળા કે પ્રવાસીઓની બસ કસમયે આવે તો પણ શ્રી ગોરક્ષનાથ આશ્રમેથી ભૂખ્યા પેટે જતા નથી
રાજ દંડ ઉપર ધર્મ દંડ રહેલો છે
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, રાજ દંડ ઉપર ધર્મ દંડ પહેલેથી રહેલો છે. ધર્મ રાજકારણથી અલગતાવાદ નહી પરંતું એકતાવાદ છે. પ્રાચીન સમયમાં પણ રાજ સાથે ધર્મને મહત્વ આપવામાં આવ્યું છે. આજે પણ રાજકારણમાં ધર્મ હંમેશા ઉપર રહે છે.
CM યોગી આદિત્યનાથ કરી રહ્યાં છે નિષ્કામ સેવા
યોગી શેરનાથજી બાપુએ કહ્યું હતું કે, ઉતરપ્રદેશમાં ઈખ યોગી આદિત્યનાથ સફળતા પૂર્વક રાજ્ય ચાલવી રહ્યાં છે. આજે તેઓ સફળતા પૂર્વક નિષ્કામ સેવા કરી રહ્યાં છે અને આદર્શ જીવન જીવી રહ્યાં છે, તેઓ સતત કામ કરી રહ્યાં છે. દેવ પૂજા, સંત સેવા, ગૌ સેવા અને સમાજ સેવામાં સફળ થયા છે. તેમા શંકાને કોઇ સ્થાન નથી.
ભવનાથ આશ્રમમાં પૂ. ગુરૂ ત્રિલોકનાથજી બાપુ અને પૂ. સોમનાથજી બાપુની સમાધી છે. હરિયાણામાં કુરુક્ષેત્ર પાસે સરસ્વતી નદી કિનારે આશ્રમ છે. તેમજ સૌરાષ્ટ્રમાં નાના મોટા આશ્રમો આવેલા છે. અહીં સેવા પ્રવૃતીઓ ચાલી રહી છે. આશ્રમમાં આવતા સંતો, સાધકો અતિથિઓ, ભક્તો માટે ભોજનની અવિરત સેવાનું કાર્ય ચાલે છે. સમય સીવાય પણ કોઇ યાત્રાળુઓ આવી પહોંચે તો ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. બાળકો હોય કે રાજસ્થાન, હરિયાણા, પંજાબનાં યાત્રાળુઓની બસ ભોજન પછીનાં સમયે આવે તો પણ આશ્રમ દ્વારા ભોજનની વ્યવસ્થા થઇ જાય છે. અનેક વખત બપોરનાં બે કે 3 વાગ્યે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.