ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળના કુલ 82 ડેમ પૈકી 29 ડેમમાં અડધોથી છ ફૂટ નવા નીરની આવક થઈ છે તેમજ 54 ડેમ સાઈટ ઉપર પાંચ મીમીથી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, પોરબંદર અને અમરેલી જિલ્લાના જળાશયોની સપાટીમાં વધારો નોંધાયો છે. વિશેષમાં રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ ક્ધટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજકોટ જિલ્લામાં ફોફળ ડેમમાં 0.30 ફૂટ, વેણુ-2માં 0.33 ફૂટ, આજી-1માં 0.52 ફૂટ, આજી-3માં 0.26 ફૂટ, ડોંડીમાં 5.74 ફૂટ, ન્યારી-2માં અડધો ફૂટ, ખોડાપીપરમાં 1.64 ફૂટ, છાપરવાડી-1માં 0.66 ફૂટ, ભાદર-2માં 0.16 ફૂટ, મોરબી જિલ્લામાં મચ્છુ-2માં 0.85 ફૂટ, ડેમી-1માં 0.16 ફૂટ, ડેમી-2માં 0.66 ફૂટ સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રિવેણી ઠાંગામાં 0.16 ફૂટ અને પોરબંદર જિલ્લાના સોરઠી ડેમમાં 0.79 ફૂટ નવું પાણી આવ્યું છે.
પડધરીના આજી-2 ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો
રાજકોટ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પડધરી તાલુકામાં આવેલ આજી – 2 ડેમની સપાટીમાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો હોવાથી ડેમનો 1 દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો છે. આથી ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફલડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.