રાજકોટમાં રહેતા કોન્ટ્રાક્ટર સાથે ઓનલાઈન ઠગાઈ
વોડાફોનના નોડલ ઓફિસર તરીકેની ઓળખ આપી વધુ એક જણાને શિકાર બનાવાયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં મોબાઈલની સર્વિસ પ્રોવાઈડર કંપીનાના નોડલ ઓફિસરના નામે ઠગાઈનો વધુ એક કિસ્સો પોલીસમાં નોંધાયો છે. નાણાવટી ચોક પાસેની ભરતવંશી સોસાયટી શેરી નં.1માં રહેતા અને ઓમ એન્ટરપ્રાઈઝ નામે કોન્ટ્રાક્ટ કંપની ધરાવતા રોહિત શિવલાલભાઈ વેકરીયા (ઉં.વ.35)ને વોડાફોનના નોડલ ઓફિસર તરીકે ઓળખ આપી ગઠીયાએ તેના ખાતામાંથી બારોબાર રૂા.7.99 લાખ ઉપાડી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.ફરિયાદમાં રોહિતે જણાવ્યા પ્રમાણે ગઈ તા.27ના રોજ તે ગોલ્ડએક એપાર્ટમેન્ટમાં આવેલી પોતાની ઓફિસે હતો. ત્યારે તેને એક મોબાઈલ નંબર ઉપરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં તેનો સીમકાર્ડ 24 કલાકમાં બ્લોક થઈ જશે તેમ જણાવી એક કસ્ટમર કેર નંબર આપી તેની પર કોલ કરવા જણાવાતા તેણે તે નંબર ઉપર કોલ કર્યો હતો.
જેથી સામે છેડે રહેલા ગઠિયાએ પોતાની વોડાફોનના નોડલ ઓફિસર તરીકે ઓળખ આપી કેવાયસી અપડેટ કરાવવા કહ્યું હતું. એટલું જ નહીં પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરવા જણાવ્યું હતું. પરિણામે તેણે તે એપ ડાઉનલોડ કરી હતી. આગળની પ્રોસીઝર માટે ગઠિયાને કોલ કરતાં તેણે તે એપમાં લિંક ક્લિક કરી રૂા.10નું રિચાર્જ કરવાનું જણાવતા તેણે નેટ બેન્કિંગ મારફત રૂા. 10નું રિચાર્જ કરાવ્યું હતું. તે સાથે જ તેની કંપનીના એક્સિસ બેન્કના એકાઉન્ટમાંથી રૂા.10 હજાર ડેબિટ થયાનો તેને મેસેજ આવ્યો હતો. 10 મિનિટના અંતરે બેન્કમાંથી ઓટીપી આવ્યો હતો. જેથી તેણે તત્કાળ સીમકાર્ડ કાઢી મોબાઈલ સ્વિચઓફ કરી નાખ્યો હતો. એટલું જ નહીં, ઓફિસના કોમ્પ્યુટરમાં બેંકનું રજીસ્ટર ઈમેઈલ આઈડી ચેક કરતાં તેની કંપનીના બેંક એકાઉન્ટમાંથી રૂા.99980 ડેબિટ થયા બાદ આશરે 10 મિનિટ બાદ રૂા.1 લાખ અને આ રીતે થોડી થોડી વારના અંતરે કુલ રૂા.7 લાખ 99 હજાર ડેબિટ થઈ ગયા હતા. જે જોઈ તે ચોંકી ઉઠતાં નેટ બેન્કિંગનો પાસવર્ડ બદલી નાખ્યો હતો. એટલું જ નહીં તત્કાળ સાયબર ક્રાઈમ હેલ્પ લાઈન નંબર ઉપર કોલ કરી ઓનલાઈન ફરિયાદ આપી હતી. જેના આધારે આજે સાયબર ક્રાઈમ પોલીસે આઈપીસી કલમ 419, 420 અને આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


