લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી ખેડૂતો સાથે છેતરપિંડી કરાતી હતી
જુદી-જુદી બ્રાન્ડની દવાની 4549 બોટલ મળી કુલ રૂા.15.27 લાખનો મુદ્દામાલ કબજે, ફેક્ટરીના મેનેજરની અટકાયત
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની ભાગોળે નવાગામમાં આવેલા દિવેલીયાપરાના બાલાજી પાર્કમાં આવેલા એક મકાનમાં ધમધમતી નકલી જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ઉપર ગઈકાલે રાત્રે કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી જુદી-જુદી દવાઓ, તેના રેપર વગેરે મળી કુલ રૂા.15.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખેડૂતો સાથે છેતરપિંડી અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના આ ગંભીર કારસ્તાનમાં એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓને પણ પોલીસે સાથે રાખ્યા હતા. કુવાડવા રોડ પોલીસના પીએસઆઈ એન. આર. વાણીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાત્રે પીઆઈ બી. એમ. ઝણકાટે સ્ટાફના માણસો અને એગ્રીકલ્ચર અધિકારીઓને સાથે રાખી બાલાજી પાર્કમાં મકાનમાં ધમધમતી સ્વસ્તિક એગ્રી સાયન્સ નામની જંતુનાશક બનાવવાની ફેક્ટરીમાં દરોડો પાડયો હતો. જ્યાંથી જુદી-જુદી બનાવટની જંતુનાશક દવાઓની 4549 બોટલો, અલગ અલગ કંપનીના રેપર, વજનકાંટો અને દવા મિક્સ કરવા માટેનું વલોણું મળી આવતાં તેને શક પડતી મિલકત તરીકે કબજે કર્યુ હતું. એટલું જ નહીં સ્થળ પરથી ફેક્ટરીના મેનેજર મહેશ ઉર્ફે રાહુલ થોભણભાઈ ટારીયા (ઉં.વ.31, રહે.ગ્રીનલેન્ડ ચોકડી, શિવનગર શેરી નં.5)ની અટકાયત કરવામાં આવી હતી. તેની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે છેલ્લા બે મહિનાથી નકલી જંતુનાશક દવાઓ બનાવવાનું કારસ્તાન ચાલતું હતું. ફેક્ટરીમાં ચારેક મજુરો પણ કામ કરતા હતા. જેના પણ પોલીસે નિવેદન લીધા હતા. એગ્રીકલ્ચર વિભાગના અધિકારીઓએ ત્રણ કલાક સુધી જુદી-જુદી દવાઓના નમૂના લીધા હતા. જેને હવે લેબોરેટરીમાં મોકલી દેવાશે. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ગુનો નોંધવામાં આવશે.
- Advertisement -
પોલીસે જણાવ્યું કે કોઈ સ્થળેથી ટીપણા ભરી દવાઓ લઈ આવી તેને જુદી-જુદી બોટલોમાં ભરી પેકીંગ કરાતું હતું. જે ગેરરીતિ મળી છે તેમાં નિયમ મુજબ લેબોરેટરી ન હતી. આ ઉપરાંત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને એગ્રીકલ્ચર વિભાગની પણ કોઈ મંજુરી લેવામાં આવી ન હતી. ઘરમાં જ ફેક્ટરી ચાલુ કરી દેવાઈ હતી. હાલ તમામ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે લેવામાં આવ્યો છે.
ફેક્ટરીના માલિકનું નામ વસંત નાથાભાઈ પરમાર છે. જે માધાપર ચોકડી પાસેની વિનયવાટિકા શેરી નં.2ના ખુણે રહે છે. નકલી જંતુનાશક દવાઓ ખરેખર ક્યાંથી લઈ અવાતી હતી, તે સહિતના મુદ્દે પોલીસે તપાસ જારી રાખી છે.


