ખાસ-ખબર સંવાદદાતા
રશિયા અને યુક્રેન વચ્ચેની સ્થિતિ દિવસેને દિવસે વધુ વણસી રહી છે. જેના પગલે અમેરિકાએ યુક્રેનમાં જમા નાટો દેશોના સૈન્યબળમાં વધારો કર્યો છે. અમેરિકી પ્રમુખ બાઇડને પોતાના વધુ 3000 સૈનિકોને પોલેન્ડ રવાના કરવાનો આદેશ આપ્યો છે. દરમિયાન બાઇડન રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વિવાદ વચ્ચે આજે ફોન પર વાત કરવાના છે. જેથી સ્થિતિમાં સુધારો થવાના આશા રખાઇ રહી છે.
- Advertisement -
અમેરિકાના એક અધિકારીના જણાવ્યા મુજબ યુક્રેન પર રશિયાના સંભવિત આક્રમણ મામલે નાટો દેશો ચિંતિત છે. તેમની ચિંતા ઓછી કરવા માટે પ્રમુખ બાઇડને સૈનિકોની તહેનાતી વધારી છે. અમેરિકા પહેલાં પોલેન્ડમાં પોતાના 1.7 હજાર સૈનિક મોકલી ચૂક્યું છે. જ્યારે 8000 સૈનિકોને હાઇએલર્ટ પર રખાયા છે. અમેરિકી સંરક્ષણ હેડક્વાર્ટર પેન્ટાગોનના જણાવ્યા મુજબ જે 3000 સૈનિકોને પોલેન્ડ મોકલાવામાં આવી રહ્યા છે. આ સૈનિકો ઉત્તર કેરોલિનાના ફોર્ટ બ્રેગમાં તહેનાત હતા. તેઓ આગામી સપ્તાહના પ્રારંભમાં પોલેન્ડ પહોંચી જશે. આ તમામ સૈનિકો અમેરિકાની 82મી એરબોર્ન ડિવીઝનની આર્મી સેનાના છે. નાટો દેેશો સાથે સમજૂતિ મુજબ અમેરિકાના આશરે 80,000 સૈનિકો સમગ્ર યુરોપમાં તહેનાત છે. તેમાંથી કેટલાક સ્થાયી છે અને કેટલાકનું સ્થાન બદલાતું રહે છે. પોલેન્ડ ઉપરાંત જર્મનીમાં તહેનાત અમેરિકાના આશરે1000 સૈનિકો રોમાનિયા પહોંચી ગયા છે.
3000 સૈનિકો યુદ્ધનો હિસ્સો નહીં
ત્રીજા વિશ્વયુદ્ધની સંભાવના હોવા છતાં અમેરિકાએ પહેલાં જ સ્પષ્ટ કરી દીધુ છે કે તેમના આ 3000 સૈનિકો રશિયા યુક્રેન વચ્ચેના કોઇ પણ યુદ્ધનો હિસ્સો બનશે નહીંય તેમનો હેતુ માત્ર નાટો સેનાને ટ્રેનિંગ ઉપરાંત યુદ્ધની સ્થિતિનો સામનો કરવા તૈયાર કરવાનો છે. પોલેન્ડ એટલા માટે બેઝ બનાવાયું છે. તેની સરહદ યુક્રેન અને રશિયાને અડે છે.