ખાસ-ખબર સંવાદદાતા
તેલંગાણામાં સગીર કિશોરે ફૂટપાથ પર એસયુવી કાર ચઢાવી દેતા એક કિશોરી સહિત 4 મહિલાનાં મોત થઇ ગયા. અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘવાયા પણ છે. ઘટનામાં કાર ચલાવનાર કિશોર, તેની સાથે બેસેલા 2 મિત્રો અને સગીરના પિતાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તૈયારી કરી રહી છે.રિપોર્ટ મુજબ ઘટના રવિવારે સવારે કરીમનગર જિલ્લાની છે. ત્યાં વહેલી સવારે એક કિશોર તેના બે સગીર મિત્રો સાથે પિતાના એસયુવી કાર લઇને નીકળી પડ્યો હતો. પરંતુ કાર અનિયંત્રિત થતા તેણે બ્રેકને બદલે એક્સિલેટર પર પગ મૂકી દીધો હતો. જેથી કારની સ્પીડ વધી ગઇ હતી અને તે ફૂટપાથ પર ચઢી એક પોલ સાથે ટકરાઇને અટકી ગઇ હતી. પરંતુ તે પહેલાં ફૂટપાથ પરના મજૂરોને ચગદી નાંખ્યા હતા. જેમાં એક 14 વર્ષની સગીર કિશોરી સહિત 4 મહિલાનાં મોત થઇ ગયા. આ મહિલા દૈનિક મજૂર હતી. જેઓ વહેલી સવારે કામની શોધમાં ત્યાં ઉભી હતી.પોલીસે જણાવ્યું કે, મજૂર પહેલાં ફુટપાત પર બનેલી અસ્થાયી ઝુપડીઓમાં રહેતા હતાં.