ઉત્તરાયણનો તહેવાર દેશભર સહિત ગુજરાતમાં અનેરા આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે.
પતંગબાજોનાં મનગમતા તહેવાર ઉત્તરાયણને હવે એક મહિનાની પણ વાર નથી રહી. મકરસંક્રાતિ પર્વ જેની ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગોત્સવ તરીકે પણ ઉજવણી થાય છે. આ પતંગોત્સવની તૈયારીના ભાગરૂપે રાજકોટમાં વર્ષોથી પેઢી દર પેઢી પતંગો-માંજો બનાવી વેચાણ કરતા કારીગરોએ પતંગો બનાવવાનો અને માંજો ઘસવાનો પ્રારંભ કરી દીધો છે. સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને રાજકોટ શહેરનાં લોકો મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર ભલે એક દિવસનો હોય પણ તહેવારની પૂર્વે તૈયારીઓ એક મહિના અગાઉ જ શરૂ થઈ જાય છે. રાજકોટીયનોની પતંગ મકરસંક્રાંતિનાં દિવસે હવામાં વધુ સમય ટકી રહે અને અન્ય પતંગનો પેચ જીલી શકે તે હેતુસર અન્ય રાજ્યમાંથી દોરા માંજવા આવતા કારીગરો આવી ચૂક્યા છે. ઉતરાયણ તહેવાર નજીક આવતા રાજકોટ શહેરનાં સદર બજાર, રાજકુમાર કોલેજ સામે, લીમડા ચોક પાસે, કેનાલ રોડ પર, ટાગોર રોડ શેરીમાં, રાજશ્રી સિનેમા બાજુમાં, બાલાજી મંદિર સામે ફૂથપાથ પર દોરા માંજતા કારીગરો જોવા મળી રહ્યા છે. આ કારીગરો વર્ષોથી પેઢી દર પેઢી માંજો પાઈ પોતાની આજીવિકા રળી રહ્યા છે. હાલમાં વધતી જતી મોંઘવારીનાં કારણે દોરા ઉદ્યોગમાં મંદી હોવા છતાંય રાજકોટની શેરીઓ-ગલીઓમાં પોતાના સ્ટેન્ડ નાખી દોરા માંજતા કારીગરોને આશા છે કે, આ વર્ષે તેઓ પતંગબાજોની જરૂરીયાત અનુસાર રંગબેરંગી કલર, કાચ, કેમિકલનો ઉપયોગ કરી ધારદાર દોરા માંજી આપશે. દોરાની જેમ જ પતંગ બનાવનાર લોકો પણ આશા સેવી રહ્યાં છે.

- Advertisement -
આ વર્ષે દોરાની જેમ જ પતંગોનું પણ ધૂમ વેંચાણ થશે. હાલમાં દોરા બજારમાં માંજો સુતનાર કારીગરોને ત્યાં રાતપાળીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં વિવિધ બ્રાન્ડની દોરાઓની માંગ થઈ રહી છે. આ દોરાઓમાં 24 કેરેટ સાંકળ, મહાસાંકળ, ચેલેન્જ, અગ્નિ, ગેંડા, ભગવાન, જીગર, યુસુફ, પાન્ડાની ખરીદી દેખાય રહી છે તથા હાલમાં દોરાને માંજો આપવા માટેના ભાવ 500 જીએમના 150 રૂ.થી માંડીને 200 રૂ. સુધી ચાલી રહ્યો છે જ્યારે 150 જીએમના ભાવ 80 રૂ.થી 150 રૂ. સુધી ચાલી રહ્યા છે. આ ભાવ ઉત્તરાયણ નજીક આવતા છેલ્લા દિવસોમાં ફેરફાર થવાની શક્યતા છે. જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ માંજો આપનાર કારીગર 24 કલાક કામ કરશે. આમ, બજારમાં મનપસંદ દોરાની ખરીદીઓ શરૂ થઈ છે તથા તેને માંજો પીવડાવનારા સારા કારીગરને ત્યાં ઓર્ડરો શરૂ થઈ ગયા છે. જ્યારે કેટલાક પ્રખ્યાત દોરો સુતનાર પરંપરાગત વ્યવસાયચાલકોને ત્યાં બે મહિના અગાઉથી દોરા સુતવાનું શરૂ થઇ ગયું છે. નાના-મોટા સૌને પ્રિય એવા મકરસંક્રાંતિ પર્વને ગણતરીના દિવસો બચ્યા છે ત્યારે માંજા બજારમાં પતંગ રસિયાઓએની ચહલપહલ શરૂ થઈ ગઈ છે. રાજકોટના વિવિધ વિસ્તારોમાં દોરા રંગતા વેપારીઓ-કારીગરો પાસે દોરા પવડાવવા પતંગબાજોનો મેળાવડો જોવા મળી રહ્યો છે.

આજનાં આધુનિક જમાનામાં પણ પતંગનાં રસિયાઓ બજારમાંથી તૈયાર દોરા ખરીદવાના બદલે દોરો માંજવાનો ક્રેઝ યથાવત છે. એક હકીકત એ પણ છે કે, રાજકોટનાં સિઝનલ ધંધો કરતાં વેપારીઓએ પણ ઉત્તરાયણ નજીક આવતા પતંગ-દોરાનાં અવનવા સ્ટોક સાથેનો ધંધો શરૂ તો કરી દીધો છે પણ છેલ્લા કેટલાક વર્ષથી ઉત્તરાયણનાં તહેવારમાં પ્રમાણમાં પતંગ-દોરાનું વેંચાણ ઘટતું જતું હોવાથી વેપારીઓ ઉત્સાહિત જણાઈ રહ્યાં નથી. જો કે અંતિમ ઘડીએ બજારમાં ખરીદી વધશે એવી આશા વેપારીવર્ગ તરફથી સેવાઈ રહી છે. મોંઘવારીના કારણે આ વર્ષે દોરા રંગવાનાં ભાવમાં વધારો થયો છે. જેમાં તૈયાર દોરાવાળી ફીરકીનાં ભાવમાં પણ વધારો આવ્યો છે. દોરા રંગવામાં ગત વર્ષ કરતાં આ વર્ષે 20થી 25 ટકા ભાવ વધારો તેમજ તૈયાર માંજાની ફીરકીમાં 10થી 15 ટકાનો ભાવ વધારો થયો છે. હાથે માંજવાના દોરા અને તૈયાર દોરાની ફીરકીનો ભાવ વધારો પતંગબાજોની પ્રિય ઉતરાયણની મજા બગાડી શકે તેવી શક્યતા તો દેખાઈ રહી છે પરંતુ આ તો રંગીલું રાજકોટ છે. વ્યાજે ઉછીના પૈસા લઈને પણ તહેવારો-ઉત્સવોની મોજ-મજા લેવી એ અહીની પ્રજાની તાસીર હોય મોંઘવારીની અસર માંજા બજારને નડશે નહીં.
- Advertisement -

ગુલાબી રંગનો દોરો સૌની પહેલી પસંદ
મોટાભાગે દોરા રંગવામાં ગુલાબી કલર વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ છે. આ ઉપરાંત દોરા રંગવામાં કેસરી, લાલ, પીળો, કાળો અને સફેદ રંગ પણ ઉપયોગમાં લેવાઈ છે. પતંગબાજોની પહેલી પસંદ ગુલાબી રંગનાં પાતળા ખેંચનાં દોરા બનાવવાની વધુ હોય છે.

પતંગબાજો માટે ખેંચનો દોરો વધુ કારગર
અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં દોરા માંજવા આવતા કારીગરો દિવસ-રાત તનતોડ મહેનત કરે છે ત્યારે દોરા ધારદાર, મજબૂત અને ટકાઉ બને છે. દોરા માંજતા મજૂરોને કાચની ભૂકી સાથે દોરો રંગતા સમયે હાથમાં કાપા પડી ઈજા પહોંચે છે. પણ શું થાય? પાપી પેટ કા સવાલ હૈ.. ફૂટપાથ પર દોરા તૈયાર કરતા કારીગરોને ખેંચ, ઢીલ, છ તાર, નવ તાર જેવા વિવિધ દોરાની ફીરકીઓ બનાવવાનાં ઓર્ડર મળવા લાગ્યા છે. પતંગબાજો ખાસ કરીને ખેંચનો દોરો બનાવડાવવાનું પસંદ કરી રહ્યાં છે જ્યારે શીખાવ પતંગરસિયાઓ ઢીલનાં દોરાની પસંદગી કરી રહ્યાં છે.



