કેન્દ્રીયમંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના પ્રયાસો સફળ – સ્થાનિક રહેવાસીઓએ આભાર વ્યક્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા તાજેતરમાં કાયમી રૂપે બંધ કરી દેવાયેલ ફાટક હવે ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. આ નિર્ણયથી રમણપાર્ક, પારસનગર, જીઆઈડીસી મીરાનગર સહિતના વિસ્તારોના રહેવાસીઓમાં હર્ષની લાગણી છવાઈ છે. આ વિસ્તારના નાગરિકોએ ફાટક બંધ કરાયાના કારણે થતા અગવડતાના પ્રશ્ન અંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તથા પોરબંદરના સાંસદ ડો. મનસુખભાઈ માંડવિયા સમક્ષ રૂબરૂ રજૂઆત કરી હતી. ડો. માંડવિયાએ તરત જ રેલવે વિભાગને યોગ્ય સૂચનાઓ આપી હતી. બાદમાં રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પણ રેલવે અધિકારીઓને પ્રશ્નનું વહેલાસર નિરાકરણ લાવવા સૂચના આપી હતી. ભાજપના જિલ્લા તથા શહેર સ્તરના આગેવાનોના સતત પ્રયત્નો બાદ આજરોજ આ ફાટકને પુન:ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના હસ્તે ફાટકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, શહેર મહામંત્રી નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા, ગીગનભાઈ બોખીરીયા, નિલેશભાઈ ઓડેદરા, વિજયભાઈ વડુકાર, માલદેભાઈ ઓડેદરા, સુરેશભાઈ સિકોતરા, ધર્મેશભાઈ પરમાર, પૂર્વ કાઉન્સિલર લક્ષમણભાઈ ઓડેદરા, મહેન્દ્રસિંહ ચાવડા, ચનાભાઈ પાંડાવદરા, રૂડાભાઈ માલમ સહિતના આગેવાનો અને સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતું કે, લોકો સાથે વાતચીત કર્યા વિના કોઈપણ ફાટક કાયમી બંધ કરવામાં આવશે નહીં. જો આવું કોઈ પગલું લેવાશે તો પહેલા યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. સ્થાનિક રહેવાસીઓ તથા જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા કેન્દ્રીયમંત્રી ડો. મનસુખભાઈ માંડવિયા, રાજ્ય કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા અને રેલવે તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.



