ભીડનો લાભ લઇ બે મહિલાનો સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી લીધાં હતા
ખેડાની ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ: 3.39 લાખના દાગીનાં કબ્જે કરતી પોલીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
રાજકોટમાં જીજ્ઞેશ દાદાની કથા સાંભળવા ગયેલી મહિલાના ગળામાંથી દાગીના સેરવી લેનાર ટોળકીને એ ડિવિઝન પોલીસે દબોચી લઈ 3.39 લાખના દાગીના કબ્જે કર્યા છે ગિરદીનો લાભ લઇ બે મહિલાના ગળા હળવા કરી સોનાનો ચેઇન અને મંગળસૂત્ર ચોરી નાસી છૂટ્યા હતાં પોલીસે ખેડાની ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ કરી છે.
બનાવ અંગે રાજકોટમાં મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રહેતાં શિક્ષક હિતેષભાઈ રમેશભાઈ ડોલર ઉ.24એ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, ગઇ તા.25ના તેઓ શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદીર ભુપેન્દ્ર રોડ ખાતે શ્રી જીગ્નેશ દાદાની કથા સાંભળવા ગયા હતા મંદિરના પટાંગણમાં તેમના દર્શન માટે બધા ભેગા થયા હતા ત્યાર બાદ ભીડ ઓછી થતા જાણવા મળેલ કે, ભાગવત કથામાં સુરતથી તેમના મોટા બાપુજીના દીકરી મનીષાબેનના સાસુ હેમીબેન નકુમ આવેલા હતા તેઓ પણ દર્શનાર્થે જીગ્નેશ દાદાની કાર પાસે ગયેલ હતા તે વખતે તેમણે ગળામા પહેરેલ આશરે 15 ગ્રામ વજનનો સોનાનો ચેઈન તેમના ગળામાં જોવા મળેલ નહી જેથી અજાણ્યાં શખ્સો બહેનના સાસુએ ગળામાં પહેરેલો તેમનો સોનાનો ચેન ભીડનો લાભ લઇ કોઈ ચોરી કરી લઈ ગયો હતો તેમજ તે જ રીતે અન્ય એક મહિલાનો સોનાનો ચેઇન પણ આ જ રીતે ચોરી થયો હતો. જે અંગે એ. ડિવિઝન પોલીસ મથકમાં બે ગુના નોંધાયા હતાં.
- Advertisement -
બનાવની ગંભીરતા દાખવી શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદિશ બાંગરવા, એસીપી બી.જે.ચૌધરી દ્વારા મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ ગુના ડિટેકટ કરવાની આપેલ સૂચનાથી એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઈ એસ.એમ.રાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે હેડ કોન્સ્ટેબલ કલ્પેશ બોરીયા અને મહેશ ચાવડાને મળેલ ચોક્કસ બાતમીના આધારે પેલેસ રોડ પાસેથી ત્રણ મહીલા તથા એક પુરૂષને શંકાસ્પદ હાલતમાં જોવા મળતાં તેને અટક કરી થેલીમાં જોતા સોનાના દાગીના જેમા એક સોનાનો ચેઇન તથા સોનાનું મગળસુત્ર મળી આવેલ જે અંગે પુછપરછ કરતા સોનાનો ચેઇન તથા સોનાનુ મંગળસુત્ર પોતે ત્રણ દિવસ પહેલા ભુપેન્દ્ર રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેઇટ પાસે બપોરે પ્રસાદીના સમયે માણસોની ભીડ હતી તે દરમ્યાન મંદિરે દર્શન કરવા આવેલ દર્શનાર્થી બે અલગ અલગ મહીલાઓએ ગળામાંથી નજર ચુકવી સેરવી લીધા હતા.
પોલીસે ખેડાના કમલેશ ગોવીંદ વાઘેલા ઉ.26, મંજુબેન વિનુ બજાણીયા ઉ.49, લક્ષ્મીબેન ઉર્ફે ભોટી અજીત ઠાકોર ઉ.38 અને શકુબેન સંનજ રાવળ ઉ.29ની ધરપકડ કરી સોનાનો ચેઇન અને સોનાનું મંગલસૂત્ર મળી રૂ.3.39 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો ચારેયની પૂછતાછમાં એવું જાણવા મળ્યું હતું કે મંદિરે દર્શન કરવા આવતા હોય અને ગીરદીનો લાભ લઈ દર્શનાર્થીઓએ ગળામાં પહેરેલ દાગીના નઝર ચુકવી ચોરી લેતા હતા આરોપી કમલેશ વિરુદ્ધ હત્યાનો એક ગુનો, મંજુ વિરૂદ્ધ દારૂના બે ગુના અને લક્ષ્મી વિરુદ્ધ ચોરીના અનેક ગુના નોંધાયેલ છે.



