તા.25ના મનસુખભાઈ સુવાગીયાના સંસ્કૃતિ ફાર્મમાં 200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજીનું નિદર્શન
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્રની ધરતીમાંથી વિશ્ર્વ આમ્રક્રાંતિનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો છે. તા. 25ના રોજ મનસુખભાઈ સુવાગીયાના સંસ્કૃતિ ફાર્મમાં 200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજીનું નિદર્શન કરવામાં આવશે.
મનસુખભાઈ સુવાગીયાના બાળપણમાં જૂનાગઢ પાસેના ખડપીપળી ગામમાં પોતાની વાડીમાં 20 પ્રકાર અને ગામમાં 200 પ્રકારના દેશી આંબા હતા. તેમાંથી 198 લુપ્ત થઈ ગયા. આવી રીતે સમગ્ર ગુજરાતમાં દેશી આંબાનો અને દેશી કૃષિ બીજનો વિનાશ જોઈને 2008થી લુપ્ત થતાં દેશી આંબા અને દેશી કૃષિ બીજ સુરક્ષાનો પ્રારંભ કર્યો. સમગ્ર ભારતમાં ખેતરે ખેતરે જંગલોમાં પહાડોમાં ફરીને ઉત્તમ જાતના 200 પ્રકારના દેશી આંબા જેના એક એક જ ઝાડ હયાત હતા, એવા સ્વાદ, સુગંધ, પોષક ગુણ, કુદરતી રોગ પ્રતિકારક શક્તિથી શ્રેષ્ઠ અને ભરપૂર ઉત્પાદન આપતી 200 જાતો શોધી કાઢી.
મનસુખભાઈએ પોતાના સંસ્કૃતિ ફાર્મમાં મોર ફૂટતી વખતે પોતે સંશોધન કરેલ હીંગ, અજમા, કાળીજીરી અને વાવડીના ઉકાળા સાથે ચુનો અને તામ્ર છાશ પાણીમાં મિક્સ કરીને પાંચ દિવસના અંતરે બે વખત છંટકાવ કર્યો. આ પ્રયોગોથી માત્ર બે જ વર્ષના આંબામાં અકલ્પની માત્રામાં કેરીઓ બેઠી અને ગરમી, લૂ, વરસાદી વાવાઝોડામાં કેરીઓ ખરી નથી. ડાળીઓ ભાંગી જાય એટલી ભરપૂર કેરીઓથી આંબા લચી પડ્યા છે. આ નવા પ્રયોગોથી આંબાનો વિકાસ અને ઉત્પાદન સમગ્ર ભારતના ખેડૂતોને આંબા અને તમામ ફળઝાડની કૃષિ માટે નવું કલ્યાણકારી સંશોધન છે. જેનાથી એક-એક કિાસનને લાખો રૂપિયાનું અને દેશનો અબજો રૂપિયાનો લાભ થશે. ભવિષ્યમાં લોકોને 10થી 100 પ્રકારની દેશી કેરી ખાવા મળશે. આ સફળતા અને સંશોધનને સમગ્ર દેશમાં વિસ્તારવા તા. 25-5ના રોજ સવારે 8-00 કલાકે 200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજીનું નિદર્શન ગોઠવેલું છે. જેમાં રાજકોટના સંસદસભ્ય પુરુષોતમભાઈ રૂપાલા, ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ અને ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખ જગમાલભાઈ આર્ય, મેહુલભાઈ આચાર્ય, ડો. અરુણ ચાવડા અને સમગ્ર ગુજરાતના ગણમાન્ય કિસાનો ઉપસ્થિત રહેશે. તજજ્ઞોના મતે લુપ્ત થતાં 200 પ્રકારના દેશી આંબાની સુરક્ષા અને નવા પ્રયોગોથી વિકાસ અને ઉત્પાદન ખરેખર ભારતભૂમિમાં આમ્રક્રાંતિનો નવો સૂર્યોદય છે. એવી જ રીતે મનસુખભાઈએ પોતાના ફાર્મમાં 20 પ્રકારના દેશી શાકભાજી વાવીને કર્મસંગાથીઓને પ્રાકૃતિક શાકભાજી ખવડાવે છે સાથે સાથે બિયારણ તૈયાર કરીને સમગ્ર દેશમાં દેશી બીજનું વિતરણ કરે છે. જળક્રાંતિ ટ્રસ્ટે આજ સુધીમાં 200 પ્રકારના ઉત્તમ કૃષિ બીજનું કિસાનો પાસે વાવેતર કરાવીને તેના બીજનો સમગ્ર દેશમાં વિસ્તાર કર્યો છે.
મનસુખભાઈના મતે જેવું પંચમહાભૂત છે તેવું જ બંધારણ સ્થાનિક દેશી અનાજ, દેશી ફળ, દેશી શાકભાજીનું હોય છે. અને એવું જ બંધારણ મનુષ્ય અને તમામ જીવોનું હોય છે. આ પ્રકૃતિ સિદ્ધાંત મુજબ ઝેર-રસાયણ વગરના અને માત્ર દેશી બીજથી પાકેલા અનાજ ફળ શાકભાજી જ માનવોનો પૂર્ણ પ્રાકૃતિક અને પરમ આરોગ્યદાતા આહાર છે. આ પ્રકૃતિ વિજ્ઞાનને વિશ્ર્વની સરકારો, વૈજ્ઞાનિકો અને કિસાનોએ સમજવું અને સ્વીકારવું જ પડશે. એમાં જ કૃષિનો ચિરંજીવ વિકાસ છે. માનવો અને જીવસૃષ્ટિની શાશ્ર્વત સુરક્ષા છે. કાર્યક્રમમાં ગુજરાતના કિસાનો અને પ્રકૃતિપ્રેમીઓને પધારવા આમંત્રણ પાઠવાયું છે. રજિસ્ટ્રેશન માટે ગોપાલભાઈ કોટડીયા મો. 9624424757 પર સંપર્ક કરી શકાશે.