જૂનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
રાજયના ખેડૂતોને આર્થિક રક્ષણ અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ મળી રહે તેવા હેતુ થી રવિ વર્ષ 2024-25 માં ચણા પાકનું ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્રારા વર્ષ 2024-25 માટે ચણા પાક માટે રૂ.5650 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1130 પ્રતિ મણ) ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.
- Advertisement -
ભારત સરકારની પીએમ આશા ( પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં ચણા પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં એપીએમસી ખાતે ચણા પાકની ખરીદી શરૂ થયેલ છે. ટેકાના ભાવે ચણા પાક માટે જૂનાગઢ જિલ્લામાં 32476 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. ટેકાના ભાવે ચણા ખરીદીના પ્રથમ દિવસે જૂનાગઢ જિલ્લામાં 18 મંડળીઓ દ્વારા ખેડૂતોને એસએમએસ મોકલી વિવિધ તાલુકામાં ખરીદીની શરૂઆત કરવામાં આવેલ અને 117 ખેડુતો પાસેથી 1879 કવીન્ટલ ચણાની ખરીદી કરવામાં આવેલ છે. જેમાં માણાવદર તાલુકામાં સૌથી વધુ 57 ખેડૂતો પાસેથી 928 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવેલ છે. તેમજ રવિ સિઝન 2024 માં ખેડૂતો પાસેથી અંદાજિત કુલ 584000 ક્વિન્ટલ ચણાની ખરીદી કરવામાં આવશે.