હાઇવે પર પસાર થતા વાહનો અકસ્માત સર્જે તે પહેલા જાગી જાય તંત્ર
વળાંક લેવા વધુ ફરવા ન જવું પડે તે માટે ગોતી કઢાયો જોખમી રસ્તો, નાના વાહન ચાલકો જોખમી રીતે હાઇવે ક્રોસ કરતા નજરે પડ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ શહેરમાં ગઈકાલે સીટી બસે સર્જેલા અકસ્માતે સૌને ચોંકાવ્યા છે. પરંતુ શહેરમાં અકસ્માતની ઘટનાઓ છાસવારે બનતી જ હોય છે. ઘણીવાર આવા અનેક અકસ્માતો માનવસર્જિત પણ હોય છે. ખાસ ખબરના ધ્યાને કંઈક આવું જ આવ્યું છે, જેને લઈને ગ્રીનલેન્ડ ચોકડી થી આજીડેમ ચોકડી વચ્ચે અકસ્માત થવાનો ભય દેખાય રહ્યો છે. આ રસ્તો મુખ્ય હાઇવે છે, જ્યાં નાના મોટા અનેક વાહનો 24 કલાક પસાર થતા રહે છે. રોડની વચ્ચે આવેલી રેલિંગને અનેક જગ્યાએથી લોકો દ્વારા તોડી દેવાઈ છે, જેથી નાના વાહનો ત્યાંથી યુ ટર્ન મારે છે. જે જોખમ ભર્યું જણાય રહ્યું છે. મુખ્ય રસ્તા પર યુટર્ન મારવા વધુ આગળ ન જવું પડે એટલા માટે આ પ્રકારનો જોખમી રસ્તો કાઢવામાં આવતો હોય છે. પરંતુ અહીંથી પુરપાટ ઝડપે પસાર થતા વાહનોને લઈને ગમે ત્યારે અકસ્માત સર્જાવાનો અણસાર આવી રહ્યો છે. તંત્ર દ્વારા તાકીદે આ બાબતે પગલાં લેવાય તે જરૂરી છે. લોકો સરેઆમ કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમજ અહીં ટ્રાફિક પોલીસે પણ કડકાઈ કરવાની જરૂરિયાત છે. આ સિવાય તંત્રએ આ તમામ તૂટેલી અથવા તોડાયેલી રેલીંગો તાત્કાલિક સરખી કરવી જોઈએ. તેમજ અહીં કોઈ કાયદાનું ચીરહરણ ન કરે તેનું ધ્યાન RTO અને ટ્રાફિક પોલીસે રાખવું જોઈએ.