ઋષિવંશી સમાજ આયોજીત સમૂહ લગ્નોત્સવનાં આયોજકો ફરાર થઈ ગયાં ત્યારે અનેક લોકો વર-વધૂની વ્હારે આવ્યા, સ્થાપક પ્રમુખે પીચ મૂકી
પોતાનું નામ વટાવવાની વાતો કરનારા હેમરાજ પાડલિયાનું નામ આ સમુહલગ્નની દરેક પ્રેસનોટમાં આવતું હતું અને પાડલિયા એ કટિંગ્સ વ્હોટ્સઍપ સ્ટેટસમાં પણ મૂકતાં હતાં
- Advertisement -
અન્ય સંસ્થા વગેરે મદદ કરવા પહોંચી ગયા, પાડલિયાએ છત્રોલાને ગાળો ભાંડતો વિડીયો બનાવીને સંતોષ માન્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના રેલનગરમાં ગત શનિવારે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. 28 વરઘોડિયા સાથેની જાન જ્યારે લગ્ન સ્થળે પહોંચી ત્યારે ત્યાં કોઈપણ પ્રકારનું આયોજન નહોતું અને સમૂહલગ્નના આયોજકો ફરાર થઈ ગયા હતા. આ મામલે ભારે હોબાળો થતાં પોલીસ દોડી આવી હતી અને 6 જેટલા વર-વધૂના લગ્ન કરાવ્યાં હતાં, બાકીના 22 જેટલા વર-વધૂ લગ્ન કર્યા વિના જ પરત જતાં રહ્યા હતા. સમૂહલગ્નના નામે છેતરપિંડી આચરનારા ચાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે સમૂહલગ્નનો મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા હજુ પણ ફરાર છે. આ સમગ્ર બનાવમાં નોંધનીય બાબત છે કટોકટીમાં સમયે સામાજિક આગેવાની કરૂણા. જેએમજે ગ્રુપ, બોલબાલા, રઘુવંશી પરિવાર વગેરે અનેક સંસ્થાઓ દ્વારા લગ્ન કરાવવાની જવાબદારીથી લઈ વર-વધૂને કરિયાવર પૂરું પાડવામાં આવ્યું, કોઈએ ભોજનની વ્યવસ્થા કરી તો પોલીસે લગ્ન કરાવી વર-ક્ધયા માટે માવતરની ભૂમિકા ભજવી.ફૂલ નહીં તો ફૂલની પાંખડી. સૌએ અજાણ્યા લોકો માટે એકાએક સેવાની સરવાણી વહાવી દીધી.
- Advertisement -

આ જ સમયે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ જે સમૂહલગ્ન યોજાયા હતા તે ઋષિવંશી સમાજના પ્રમુખ હેમરાજ પાડલિયાએ એક વિડીયો બનાવી મારે કોઈ લેવાદેવા નથી તેવું જણાવી આયોજકોને ગાળો ભાંડવા સિવાય કશું ન કર્યું! જરૂરિયાતના સમયે જવાબદારીમાંથી છટકી જવાના કારણે હેમરાજ પાડલિયાની તેમના સમાજના લોકો જ આકરી ટીકા કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જે સમૂહલગ્નનું આયોજન હતું તે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ હતું, આ ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્થાપક-પ્રમુખ હેમરાજ પાડલિયા છે અને સમૂહલગ્નમાં ભોજનના દાતાઓ તેઓ જ હતા. કંકોત્રીથી લઈ કાર્યક્રમની પ્રેસનોટમાં પણ તેમનું નામ હતું. તો તેમણે એક વિડીયોમાં આયોજકોએ ખોટું નામ વટાવ્યું હોવાનું અને આયોજકોની છેતરપિંડીનો ભોગ તેઓ ખુદ પણ બન્યા હોવાનું જણાવી સમગ્ર મામલે હાથ ઊંચા કરી દીધા હતા પરંતુ વાસ્તવમાં ઋષિવંશી સમાજના ભામાશા બની ફરતા હેમરાજ પાડલિયાએ પોતાના જ સમાજના સમૂહલગ્નના વર-ક્ધયા માટે નાની કરૂણા પણ ન દાખવી. માત્ર તેઓ આ બનવામાં ક્યાંય નથી તેના જ વિવિધ જગ્યાએ ખુલાસાઓ કરતાં જોવા મળ્યા હતા. તેઓએ એકવાર પણ સમૂહલગ્ન સ્થળે રઝળી પડેલા જાનૈયાઓ માટે કોઈ વ્યવસ્થા કરવાની તસ્દી ન લીધી, ગાડીમાં બેસી માત્ર વિડીયો જ બનાવ્યા કર્યા જે અત્યંત નિંદનીય બાબત કહી શકાય.
હેમરાજ પાડલીયા હોંશેહોંશે સમૂહલગ્નમાં આવવા નીકળેલાં?
સૂત્રોના જણાવ્યા અનુસાર ઋષિવંશી સમાજ સેવા સંઘના પ્રમુખ હેમરાજ પાડલિયા વહેલી સવારે જ ગાંધીનગરથી રાજકોટ સમૂહલગ્નમાં આવવા હોંશેહોંશે નીકળી પડ્યા હતા પરંતુ આયોજકો ફરાર હોવાની જાણ થતાં જ સમૂહલગ્નમાં મુખ્ય આમંત્રિત તરીકે હાજર રહેવાના તેમના અભરખાં ચકનાચૂર થઈ ગયા હતા અને ચોટીલા પાસેથી જ તેઓને પણ પરત ફરી જવું પડ્યું હતું તેવું તેમના સમાજના જ લોકો કહી રહ્યા છે. આ ઉપરાંત હેમરાજ પાડલિયાને ફોન કરતાં તેઓએ કોલ રિસીવ ન કરતા પણ તેમની પર મોટીમોટી વાતો કરી ખરા સમયે પાણીમાં બેસી જવાના માછલાં ધોવાઈ રહ્યા છે.
આયોજકો અગાઉ પણ કેટલાયને બૂચ મારી ચૂકેલા, સમાજના પ્રમુખ હેમરાજ પાડલિયાને જાણ ન હતી?
રાજકોટમાં બે દિવસ પહેલા સમૂહલગ્નનું આયોજન કરનારા આયોજકો અગાઉ પણ સમૂહલગ્નથી લઈ દુબઈ ટૂરના નામે કેટલાયને બૂચ મારી ચૂકેલા છે. આ સમૂહલગ્નના આયોજકોનો શિકાર મોરારીબાપુથી લઈ રમેશ ધડૂક પણ બની ચૂક્યા છે. તો પછી તેમના સમાજના લોકોથી જ હેમરાજ પાડલિયા પરિચિત ન હતા? ક્યાં કારણોસર તેમણે ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા હેઠળ સમૂહલગ્નનું આયોજન થવા દીધું અને બધી જગ્યાએ પોતાનું અને સંસ્થાનું નામ પણ લખવા આપ્યું? ઉપરાંત આ બનાવ બાદ સમાજના પ્રમુખ તરીકે બાકી બચેલા 22 યુગલોના લગ્ન કરી આપવાની કે સમૂહલગ્ન સ્થળે અન્ય કોઈ સહાયની દીલેરી ન દાખવી? આવા અનેક સવાલો હેમરાજ પાડલિયા પર ઉઠવાના શરૂ થયા છે.



