આરબીઆઈ રીપોર્ટ મુજબ નવેમ્બરમાં 16 ટકાથી વધુનો ઘટાડો
આ વર્ષે નવેમ્બરમાં લોકોનાં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 16 ટકાથી વધુનો ઘટાડો થયો છે. હવે આ ખર્ચ ઘટીને માત્ર 1.70 લાખ કરોડ રૂપિયા પર આવી ગયો છે. ઓક્ટોબરમાં બેંકોને ક્રેડિટ કાર્ડમાંથી રેકોર્ડ 2.02 લાખ કરોડ રૂપિયા મળ્યાં હતાં. તેનું કારણ એ હતું કે ઓક્ટોબર મહિનો તહેવારોનો મહિનો છે. પરંતુ દિવાળી પછી લોકોનાં ક્રેડિટ કાર્ડના ખર્ચમાં ઘટાડો થયો છે. જોકે ગયાં વર્ષનાં નવેમ્બરની સરખામણીએ તેમાં 5 ટકાનો વધારો થયો છે. પરંતુ એક મહિના પહેલાનાં 13 ટકાનાં વધારાની સરખામણીમાં આ ઘણું ઓછું છે.
- Advertisement -
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેટા પરથી આ માહિતી સામે આવી છે. ઇન ક્રેડ ઇક્વિટીઝના સંશોધન વિશ્લેષક મેઘના લુથરા કહે છે કે, ઓક્ટોબરમાં તહેવારોના સારાં વેચાણને કારણે નવેમ્બર 2024માં ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઘટાડો થયો છે. પોઈન્ટ ઓફ સેલ વ્યવહારોમાં 14 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે મહિને ઓનલાઈન ખર્ચમાં 17.5 ટકાનો ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે તહેવારોને કારણે ખર્ચ પહેલેથી જ ઘણો વધારે હતો, તેથી આ અપેક્ષા મુજબ છે. તેમણે કહ્યું કે આગળ શું થાય છે તે જોવા માટે અમે આગામી મહિનાઓમાં આ વલણ પર નજર રાખીશું.
નવાં કાર્ડ ઇસ્યુ પણ ઓછા
આઈડીબીઆઈ કેપિટલના વિશ્લેષકના જણાવ્યાં અનુસાર, ક્રેડિટ કાર્ડની બાકી ચૂકવણીમાં થતાં વિલંબને કારણે નજીકનાં ભવિષ્યમાં નવાં કાર્ડ ઉમેરવાની ગતિ ધીમી થવાની ધારણા છે. નવેમ્બરમાં, એચડીએફસી બેંકનો બજાર હિસ્સો દર મહિને 30 બેસિસ પોઈન્ટ્સ વધ્યો હતો.
જ્યારે એસબીઆઈ કાર્ડ્સનો બજારહિસ્સો 90 બેસિસ પોઈન્ટ્સ ઘટ્યો હતો. આઇસીઆઇસીઆઇ બેન્કમાં 20 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો હતો. એક્સિસ બેંકનો માર્કેટ શેર 120 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. ઈન્ડસઈન્ડ બેંકનો માર્કેટ શેર 50 બેસિસ પોઈન્ટ વધ્યો છે. બેંકો પણ નવાં કાર્ડ ઈસ્યુ કરવામાં સાવધાન થઈ રહી છે. નવેમ્બરમાં માત્ર 350000 નવાં કાર્ડ ઉમેરવામાં આવ્યાં હતાં, જે ઑક્ટોબરમાં 780000 કરતાં અડધાં કરતાં પણ ઓછાં હતાં.
- Advertisement -
ગયાં વર્ષની સરખામણીમાં નવાં કાર્ડ્સમાં 73 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બરના અંતે ક્રેડિટ કાર્ડની કુલ સંખ્યા 10.72 કરોડ હતી. તેનું કારણ એ છે કે ક્રેડિટ કાર્ડ જારી કરતી કંપનીઓ પ્રીમિયમ કાર્ડ પર ધ્યાન આપી રહી છે.