ગેરકાનુની નિર્માણ રોકવા સુપ્રિમ કોર્ટે ગાળિયો કસ્યો
માત્ર વહિવટી, વિલંબ સમય વીતવા કે આર્થિક રોકાણના મુદ્દે અનધિકૃત નિર્માણને કાયદેસર કરવા પર સુપ્રિમની રોક : રાજયોને દિશા – નિર્દેશ જાહેર કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રિમ કોર્ટે ગેરકાયદે નિર્માણને લઈને એક મોટો નિર્ણય કરી ગેરકાયદે નિર્માણ પર અંકુશ લગાવવા માટે અનેક દિશા નિર્દેશ જાહેર કરતાં કહ્યું હતું કે માત્ર પ્રશાસનિક વિલંબ સમય વીતી જવા કે આર્થિક રોકાણના આધાર પર અનધિકૃત નિર્માણને વેધ ન ઠેરવી શકાય.
જસ્ટીસ જે.બી.પારડીવાળા અને આર.માધવનની પીઠે મેરઠનાં શાસ્ત્રીનગર સ્થિત સેન્ટ્રલ માર્કેટમાં આવાસીય ભૂખંડમાં ગેરકાયદે વ્યાવસાયિક નિર્માણને ધ્વસ્ત કરવાના અલાહાબાદ હાઈકોર્ટનાં ફેસલાને યથાવત રાખ્યો છે અને દેશભરમાં ગેરકાયદે નિર્માણ રોકવા માટે બધા રાજયો અને કેન્દ્ર શાસીત રાજયોને દિશા-નિર્દેશ જાહેર કર્યા છે.
- Advertisement -
બેન્ચે અલહાબાદ હાઈકોર્ટના 2014 ના ફેસલાને પડકારતી અપીલોને ફગાવી દીધી હતી. સુપ્રિમ કોર્ટે જણાવ્યું હતું કે દેશભરમાં બિલ્ડરોએ પોતાના પ્રોજેકટનો નકશો પાસ કરાવતી વખતે સંબંધીત ઓથોરીટી કે નિગમ સમક્ષ આ બાબતનુ સોગંદનામું આપવુ પડશે કે નિર્માણ કાર્ય પુરૂ થયા બાદ જ લાભાર્થી કે ખરીદનારને મકાનનો કબ્જો આપવામાં આવશે.સુપ્રિમે એ પણ આદેશ કર્યો હતો કે નકશામાં કોઈપણ પ્રકારની છેડછાડ બાદ કાર્યપૂર્તિ કે કબજા પ્રમાણપત્ર જાહેર નહીં કરાય.
સુપ્રિમ કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કહ્યું હતું કે, રાજયોની સરકારો વારંવાર ગેરકાયદે બાંધકામો વિશે આંખ આડા કાન કરે છે, રોકાણ મેળવવાની હરીફાઇમાં અને રાજયને સમૃધ્ધ બનાવવા માટેના પ્રયાસ કરે છે. પરંતુ એ વાસ્તવિકતાની અવગણના કરે છે કે લાંબાગાળે શહેરી વિકાસને નુકસાન જ થાય છે અને પર્યાવરણ પર પણ પ્રતિકુળ પ્રભાવ પડે છે. પર્યાવરણને નુકસાની સામે સમૃધ્ધિ કોઇ વિસાતમાં નથી.બેંચ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, ગેરકાયદે બાંધકામમાં વસવાટ કરતા લોકો ઉપરાંત આસપાસમાં રહેતા લોકોને પણ કાયમ જોખમની સ્થિતિમાં રહેવું પડે છે. આ સિવાય વીજળી, ભૂગર્ભ જળ, માર્ગો તથા કુદરતી સંસાધનો પર પણ પ્રભાવ પડે છે. માર્ગ સહિતની માળખાકીય સુવિધાઓ કાયદેસરના વિકાસને લક્ષ્યમાં રાખીને ઉભી કરવામાં આવતી હોય છે. ગઇકાલે બાંધકામને કારણે તેના પર બોજ વધે છે અને વિપરીત અસર પડે છે. સુપ્રિમ કોર્ટે આ ચુકાદાની નકલ તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત તમામ હાઇકોર્ટોને મોકલી છે.