ડૉ. સુધીર શાહ, એડ્વોકેટ
અમેરિકામાં જરૂરી એવા ડોલર્સ હવાલા મારફતે મેળવશો, મની લોન્ડરિંગનું કૃત્ય આચરશો તો પકડાતાં તમારી દશા પણ ખૂબ બૂરી થશે.
- Advertisement -
હર્ષદ ખૂબ ખુશ હતો. બે અઠવાડિયાં અમદાવાદમાં એનાં ફાધર-મધર, બહેન અને દોસ્તોને મળીને, આબુ અંબાજીમાં ફરી તેમ જ દર્શન કરીને એ પાછો અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કરવા અને ત્યાર બાદ ઓપીટી પિરિયડમાં અમેરિકાની કંપનીમાં કામ કરવા અમેરિકા જઈ રહ્યો હતો. અબુ ધાબી ઉપર એણે પ્લેન બદલવાનું હતું. એમાં પ્રવેશતાં પહેલાં અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરો બધા જ પેસેન્જરોના વિઝા તપાસતાં હતા. જો જરૂર જણાય તો એ પેસેન્જરોને સવાલો કરતા હતા. હર્ષદના સ્ટુડન્ટ વિઝા જોઈને ઓફિસરે એને એક સ્મિત આપ્યું અને કહ્યું, ‘વાહ, તમે તો ‘હાર્વર્ડ’માં ભણો છો. ખૂબ હોશિયાર લાગો છો. હાર્વર્ડમાં ભણવાનો, ત્યાં રહેવા-ખાવાનો જે ખૂબ મોટો ખર્ચો આવે છે એ કોણ આપે છે?’ ‘માય ફાધર. તેઓ અમદાવાદમાં ખૂબ મોટો રેડીમેડ કપડાંનો સ્ટોર ધરાવે છે. એમના સ્ટોરમાં મળતાં કપડાં પહેરનારાઓ એનાં વખાણ કરતાં થાકતા નથી. મારા ફાધરની ઈન્કમ બહુ સારી છે.’ ‘એમ? તો તેઓ તમને તમારા ખર્ચાના, ટ્યુશન ફીના પૈસા કેવી રીતે મોકલાવે છે?’ હવે હર્ષદ થોડી દ્વિધામાં પડી ગયો. એના ફાધર એને બેન્ક ટ્રાન્સફર મારફત પૈસા નહોતા મોકલાવતા. અમેરિકામાં એમના જે પાંચ-છ ગુજરાતી બિઝનેસ એસોસિયેટ્સ હતા એમની પાસે એમના દીકરાને જરૂરી એટલા ડોલર રોકડામાં અપાવતા હતા. એ અમેરિકન બિઝનેસ એસોસિયેટ્સ જ્યારે ઈન્ડિયા આવે ત્યારે એમને રોકડામાં અમેરિકન ડોલરનો જે એક્સચેન્જ રેટ હોય એના કરતાં બે-ત્રણ રૂપિયા વધુ આપતા હતા. આમ હર્ષદની ટ્યુશન ફી અને ખર્ચાની રકમ તેઓ કાયદેસર બેન્ક ટ્રાન્સફર મારફત નહોતા પૂરી પાડતા. એમ કરતાં એમને ટેક્સ ભરેલા વ્હાઈટના પૈસા ખર્ચવા પડે. હવાલા ટ્રાન્જેક્શન મારફત એમનું જે બ્લેકનું નાણું હોય, જેના ઉપર ટેક્સ ભરેલો ન હોય, એ તેઓ પુત્રને પહોંચાડતા હતા.
હવાલા ટ્રાન્જેક્શન એટલે કે મની લોન્ડરિંગના ગુનાસર જે વ્યક્તિ પકડાય એને જેટલી રકમ હવાલા દ્વારા ટ્રાન્સફરી કરી હોય, જેટલી રકમનું હવાલા કૌભાંડ કર્યું હોય, એનાથી બમણી રકમનો દંડ થઈ શકે અથવા તો પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે. જેલની સજા પણ થઈ શકે. દંડ અને જેલ બન્નેની સજા થઈ શકે. વિશ્ર્વના દરેક દેશમાં હવાલા ટ્રાન્જેક્શનને એટલે કે મની લોન્ડરિંગને એક ગંભીર ગુનો ગણવામાં આવે છે. હર્ષદના પિતાએ મની લોન્ડરિંગનો ગંભીર ગુનો કર્યો હતો. એમની પાસે વ્હાઈટના પૈસાની છૂટ હોવા છતાં એમણે બેન્ક ટ્રાન્સફર દ્વારા એમના પુત્રના ખર્ચાની રકમ અમેરિકામાં નહોતી મોકલાવી, પણ મની લોન્ડરિંગ દ્વારા, હવાલા દ્વારા એ રકમ એમણે પૂરી પાડી હતી. હર્ષદે એના પિતાના બિઝનેસ એસોસિયેટ્સે એને જે રોકડા ડોલર આપ્યા હતા એ કોલેજની ટ્યુશન ફી ભરવા માટે, હોસ્ટેલના રહેવા-ખાવા માટે પોતાના અમેરિકન બેન્ક ખાતામાં જમા કર્યા હતા અને પછી ચેક યા જી પે દ્વારા એમણે ટ્યુશન ફી અને હોસ્ટેલનો લોજિંગ-બોર્ડિંગનો ખર્ચો કર્યો હતો. એની આગળ આ રોકડા ડોલર ક્યાંથી આવ્યા? જો હવાલા ટ્રાન્જેક્શનની કબૂલાત કરે તો તો મની લોન્ડરિંગનો ગંભીર ગૂનો પૂરવાર થઈ જાય. એટલે એણે જે ડોલર બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા એ અમેરિકામાં ગેરકાયદેસર કામ કરીને મેળવ્યા હશે એવું અનુમાન ઈમિગ્રેશન ઓફિસર કરી શકે. હર્ષદને પૂછવામાં આવ્યું કે, ‘આ રોકડા ડોલર તારી આગળ કેવી રીતે આવ્યા?’ હર્ષદે એનો જવાબ વારંવાર પૂછવા છતાં, ધમકીઓ મળવા છતાં, ન આપ્યો. એ કંઈ પણ કહે તો કાં તો મની લોન્ડરિંગ પૂરવાર થાય અથવા તો એણે અમેરિકામાં ગેરકાયદેસર કામ કર્યું છે
એ પૂરવાર થાય. અબુ ધાબીના ઈમિગ્રેશન ઓફિસરે હર્ષદ પાસેથી કંઈ પણ ઉત્તર ન મળતાં એવું અનુમાન કર્યું કે હર્ષદે અમેરિકામાં ગેરકાયદેસર કામ કરીને, એના ખાતામાં જે ડોલર જમા કરવામાં આવ્યા છે, એ કમાવ્યા છે. અબુ ધાબીના ઈમિગ્રેશન ઓફિસરે હર્ષદના સ્ટુડન્ટ વિઝા ઈલ્લિગલી વર્કિંગ ઈન અમેરિકા અને ટેક્સ ઈવેઝન તેમ જ સ્ટુડન્ટ વિઝા ઉપર કામ કરવાના કારણસર રદ કર્યા અને એને અમેરિકામાં કોઈ પણ પ્રકારના વિઝા ઉપર ક્યારે પણ પ્રવેશ ન આપવો એવી પાબંદી મૂકી. હર્ષદે ત્યાર બાદ ‘નોન-ઈમિગ્રન્ટ વેવર’ની અરજી કરી, જે નકારવામાં આવી. એણે કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને ત્યાં ભણવા જવા માટે કેનેડાના સ્ટુડન્ટ વિઝાની અરજી કરી. કેનેડાના ઈમિગ્રેશન ખાતાએ હર્ષદને એમને ત્યાં પ્રવેશવા માટે વિઝા ન આપ્યા. હર્ષદે ત્યાર બાદ યુકેમાં ભણવાનો પ્રયત્ન કર્યો. એમાં પણ એ ફાવ્યો નહીં. એનો માસ્ટર્સનો કોર્સ હજુ અધૂરો જ રહ્યો છે. અમેરિકામાં એનો માલ-સામાન હતો એ બધો એ પાછો મેળવી નથી શક્યો. આજે એ અમદાવાદમાં એના ફાધરના સ્ટોરમાં સેલ્સમેનનું કામ કરી રહ્યો છે. ‘ખાસ ખબર’ના વાચકો, જો તમે તમારા સંતાન માટે કે તમારા પોતાના માટે અમેરિકામાં જરૂરી એવા ડોલર્સ હવાલા મારફતે મેળવશો, મની લોન્ડરિંગનું કૃત્ય આચરશો તો પકડાતાં તમારી દશા પણ ખૂબ બૂરી થશે. મની લોન્ડરિંગ એક પ્રકારની સરકાર જોડે છેતરપિંડી જ છે. તમે જો આવું કરતા હોવ યા આવું કરવાનો વિચાર કરતાં હોવ તો મહેરબાની કરીને એ ન કરતા. જો પકડાશો તો પરિણામ ખૂબ માઠું આવશે.