માર્ગ-મકાન વિભાગને રિપોર્ટ તૈયાર કરવા રાજકોટ જિલ્લા કલેક્ટરની સૂચના
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા મહેસૂલી કર્મચારીઓ અને અધિકારીઓને સરકારી આવાસો મેળવવામાં પડતી સમસ્યા ધ્યાને લઇ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રૂ.150 કરોડના ખર્ચે 396 આવાસ બનાવવા નિર્ણય કરાયો છે અને તેના માટે માર્ગ અને મકાન વિભાગને રિપોર્ટ તૈયાર કરી આપી દેવા સૂચના આપવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગનો રિપોર્ટ આવ્યા બાદ કલેક્ટર તંત્ર દ્વારા આ અંગેની દરખાસ્ત સરકારમાં કરાશે.
- Advertisement -
રાજ્યના મહેસૂલ વિભાગની મંગળવારે વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં મહેસૂલ કર્મચારીઓ અને અધિકારીઓના આવાસ અગવડતા દૂર કરવાનો મુદ્દો ચર્ચાયો હતો અને તેમાં મહેસૂલ સચિવ જયંતી રવિને રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રકારના 396 આવાસ બનાવવા કલેક્ટરે જાણ કરી હતી. રાજકોટ જિલ્લાના વીંછિયા, જસદણ, ધોરાજી, જેતપુર, ગોંડલ, લોધિકા, ઉપલેટા, પડધરી, કોટડાસાંગાણી સહિતના તાલુકાઓમાં આવેલા અનેક સરકારી આવાસો જર્જરિત બની ગયા હોય તેમજ જરૂરિયાતની સામે આવાસોની સંખ્યા ઓછી હોવાથી મહેસૂલ અધિકારી અને કર્મચારીઓને રહેણાક શોધવામાં પડતી અગવડતાને ધ્યાનમાં આગામી 10 વર્ષની જરૂરિયાતને ધ્યાનમાં લઇ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા આવાસો બનાવવા નિર્ણય કરાયો હતો.
જેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગને રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ રૂ.150 કરોડના ખર્ચે પ્રાંત અધિકારીઓ માટે 4, મામલતદારો માટે 13 બંગલા બનાવવા અને નાયબ મામલતદારો માટે 196 અને તલાટી મંત્રીઓ તથા કારકુન માટે 203 આવાસ બનાવવા ફાઇલ મોકલી રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી છે. માર્ગ અને મકાન વિભાગનો રિપોર્ટ આવ્યા બાદ તે મહેસૂલ વિભાગને મોકલાશે.