તાઇવાન લોકશાહી દેશો સાથે ખભે ખભા મિલાવી ઉભું રહેશે અને તેઓની સાથે મળી દુનિયાને પોતાની તાકાત દેખાડાશે
તાઇવાનના રાષ્ટ્રીય દિને લાઇ ચિંગ-તેનો હુંકાર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
પ્રમુખના કાર્યાલય સમક્ષ હજ્જારોની મેદનીને સંબોધિત કરતા તાઇવાનના પ્રમુખ લાઇ-ચિંગ-તેએ કહ્યું હતું કે, તાઇવાન લોકશાહી દેશોની સાથે ખભેખભો મેળવીને ઉભું રહેશે અને તે સર્વેની સાથે મળીને પોતાની તાકાત દુનિયાને દેખાડી આપશે. આ સાથે તેઓએ પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયના (સામ્યવાદી ચીન)ને ચેતવણી આપતા કહ્યું હતું કે, ચીનને વૈશ્વિક સ્તરે અમારું પ્રતિનિધિત્વ કરવાનો કોઈ અધિકાર નથી. અમે અમારી સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ માટે સતત ટક્કર લેતા જ રહીશું. આ વર્ષે જ મે મહિનામાં રાષ્ટ્રપતિપદ સંભાળ્યા પછી તાઇવાનના રાષ્ટ્રીય દિને પોતાના કાર્યાલયની બહાર ઉભેલી હજ્જારોની મેદનીને કરેલા સંબોધનમાં વધુમાં કહ્યું હતું કે, તાઇવાન અને ચીનને એકબીજા સાથે કોઈ જ સંબંધ નથી. આ ભૂમિ ઉપર લોકશાહી ફૂલી-ફાલી રહી છે.
અમારી જનતાને સરમુખત્યારો સાથે કોઈ લેવાદેવા હોઈ શકે જ નહીં અને તે તાનાશાહી સરકારને અમારું પ્રતિનિધિત્વ કરવાની કોઈ જરૂર નથી. કોઈ અધિકાર પણ નથી. તેઓએ વધુમાં કહ્યું કે મારું ધ્યેય તાઇવાનના 2 કરોડ 30 લાખ લોકોને એક જૂથ રાખવાનું છે. આપણા સાર્વભૌમત્વની રક્ષા માટે હું સતત લડતો રહીશ. સાથે તાઇવાન સ્ટેટસમાં શાંતિ રાખવા માટે આપણે પ્રતિબદ્ધ છીએ. આપણે પીપલ્સ રીપબ્લિક ઓફ ચાયના સાથે, ઋતુપરિવર્તન, સંક્રામક રોગોનો સામનો કરવા અને પરસ્પરના હિત માટે શાંતિ અને ક્ષેત્રિય સલામતી વધારવા તથા બંનેની સમૃદ્ધિ વધારવા તેની સાથે કામ કરવા તૈયાર છીએ.