149 વર્ષ જૂનાં પંચનાથ મંદિરે શિવ પરિવારને ઘીનો શણગાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હિંદુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્ત્વ છે. ચાતુર્માસની શરૂઆત સાથે જ શ્રાવણ માસ શરૂ થાય છે અને શિવપૂજા કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે ત્યારે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શહેરના દરેક મહાદેવના મંદિરને શણગાર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સ્વયંભૂ શ્રી રામનાથ મહાદેવ મંદિર, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, શ્રી મહાકાલેશ્ર્વર મંદિર, ગોવિંદેશ્ર્વર મહાદેવ મંદિર, ભોમેશ્ર્વર મહાદેવ મંદિર સહિતના તમામ મંદિરોને ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યા હતા. આજે શ્રાવણ માસની શરૂઆત જ સોમવારથી થતા રાજકોટનાં શિવ મંદિરોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમાંય શહેરના 149 વર્ષ જૂના પંચનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન શંકરને દૂધનો અભિષેક કરવામા આવી રહ્યો હતો. શ્રાવણ માસમાં શિવ મંદિરોમાં દરરોજ અદભુત શણગાર કરવામાં આવશે. ઉપરાંત અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો દરરોજ યોજાશે. ભક્તોએ પણ ભોળાનાથ સમક્ષ શિશ ઝૂકાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી હતી.
આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોની મહાદેવના મંદિરમાં લાંબી લાઈનો લાગી હતી તેમજ ભક્તોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ મહત્ત્વનું તો એ છે કે 72 વર્ષ બાદ આ શ્રાવણે દુર્લભ સંયોગ બન્યો છે. આ વખતે કુલ પાંચ સોમવારનો સંયોગ બન્યો છે. શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થયો છે અને આ સાથે જ એટલે કે સોમવારના જ સમાપ્ત પણ થશે. આમ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે શહેરના દરેક મંદિરો ‘હર હર ભોલે’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
રાજકોટના પંચનાથ મહાદેવ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે ઘણા સમય પછી શ્રાવણ માસમાં 5 સોમવાર આવ્યા છે. સવારથી ભક્તોનુ ઘોડાપૂર ઉમટી પડ્યુ છે. રાત સુધી ભક્તોનો પ્રવાહ ચાલુ રહેશે અને ભક્તોની મનોકામના પૂર્ણ થશે. શ્રાવણ માસમાં પાંચ સોમવાર ઘીની પૂજા કરવામાં આવે છે. જેમાં પ્રથમ સોમવારે શિવ પરિવારને ઘીનો શણગાર કરવામા આવશે. બીજાં સોમવારે માર્કંડ ઋષિ અને મહાદેવને ઘીનો શણગાર થશે. ત્રીજા સોમવારે રૂથી નિર્મિત ગંગા અવતરણનો અદભુત શણગાર જોવા મળશે. જેમાં પણ ઘીના મહાદેવ હશે. ચોથા સોમવારે ઘીથી નિર્મિત વિષ્ણુ શૈયા તો પાંચમા સોમવારે મહાકાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતીને ઘીથી શણગાર કરવામાં આવશે. બાદમાં શ્રાવણ વદ અમાસે પંચનાથ દાદાની વર્ણાંગી નીકળશે જે શહેરભરમાં લોકોને દર્શન માટે ફરશે અને બાદમાં ફરી નિજ મંદિરમાં પંચનાથ દાદાને વિધિ વિધાન પૂર્વક સ્થાપન કરવામા આવશે. જ્યારે પંચનાથ મંદિર દર્શન માટે આવતા ભક્ત કલ્પેશ નંદાએ જણાવ્યું હતું કે, હું તો પંચનાથ મહાદેવ મંદિરે ભગવાન શંકરના દર્શન માટે દરરોજ આવું છું. શ્રાવણ માસમાં પંચનાથ મંદિરનો માહોલ જ અલગ હોય છે. મંદિરમાં અનેરો શણગાર જોવા મળે છે. ભક્તોની પણ ભીડ જોવા મળી રહી છે. અહીંથી મળતી પોઝિટિવ ઊર્જા જીવનમાં ખૂબ જ ઉપયોગી બને છે.