સરકારી શાળા, લાયબ્રેરી, બાળકોને રમવા માટેનું મેદાન સહિતની અનેક વ્યવસ્થાનો અભાવ
ખાસ-ખબર ન્યૂઝ ઓખા
સુરજકરડીને 15 વર્ષથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો પણ દબદબો ન મળ્યો! કારણ કે આજે પણ અનેક સમસ્યાઓનો સામનો સુરજકરાડીનાં નગરજનો કરી રહ્યા છે. અહીં સારી સરકારી શાળા નથી, લાયબ્રેરી નથી, બાળકોને રમવા રમતનું મેદાન નથી, બાગ-બગીચા નથી, તળાવો છે તે પણ કંપનીનાં પાપે અને સત્તાધિકારીઓની કામની લાલચને લીધે ઝેર થઈને નર્કાગારમાં તબદીલ થઇ ગયા, ટ્રાફિકનાં કોઈ નિયમ પળાતા નથી, પોલિસ મોટા ભાગે પોતાના બીજા વહીવટમાં હોય એટલે રોડ ઉપર કે જાહેરમાં બહુ દેખાતા નથી એટલું જ નહીં કચેરીની ત્રણ બાજુએ જર્જરિત બાંધકામ, ગંદકી-કચરા,માખી-મચ્છરનો ઉપદ્રવ જોવા મળે છે. જર્જરિત બિલ્ડીંગમાં આરોગ્ય કર્મચારીઓએ બેસવું પડે, ફાઈલો- ફર્નિચર અને આરોગ્ય સાધનોની હાલત બેહાલ, જર્જરિત છતમાંથી પાણી ટપકે છે, નગરપાલિકાની માલિકીના શોપિંગ સેન્ટરનો રવેશ ગમે ત્યારે કચેરીનાં જ ગ્રાઉન્ડમાં ધડામ થઈ જાય તેવી હાલતમાં છે છતાં પણ સરકારી નિયમોનાં ઉલાળીયા થઈ રહ્યા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. આમ સુરજકરાડીના લોકો અનેક સમસ્યાઓથી ત્રસ્ત છે.
- Advertisement -
હવે ઉંડાણપૂર્વક વાત કરીએ તો પીવાનું પાણી 8થી 10 દિવસે આવે, એટલે કે આખા વર્ષમાં ન.પા.નાં નળમાં 35થી 40 વખત પાણી આવે છે! વરસાદનાં સમયમાં રોગચાળાની તકેદારી માટે રાજ્ય સરકાર અનેક પગલાં ભરે છે અને ગ્રાન્ટ પણ આપે છે પણ સ્થાનિક નગરપાલિકાના સત્તાધિશો અને અધિકારી તેમજ કર્મચારીઓ જ્યાં સુધી પોતાની ફરજ અને જવાબદારી ન સમજે ત્યાં સુધી સામાન્ય પ્રજા માટે સુખાકારીનાં દિવસો દિવાસ્વપ્ન સમાન છે. સરકારી નિયમો અને તેનાં પાલનની વાત કરવામાં આવે તો સુરજકરાડીની કચેરીને અડોઅડ તેની જ માલિકીનાં શોપીંગ સેન્ટરનો રવેશ ગમે ત્યારે પડે એમ છે, વળી કમ્પાઉન્ડનાં એક ખુણામાં એક રૂમમાં ફાઈલોનાં કબાટ અને ભંગાર પડેલા છે એ રૂમ ગમે ત્યારે છતથી જ પડી જાય એવી સ્થિતિ છે! આ જ ન.પા.પેટા કચેરીની પાછળની સાઈડમાં આરોગ્ય કેન્દ્રનાં રૂમો આવેલા છે જે પૈકી એક ભાગનાં બે રૂમોને 2019માં જર્જરિત જાહેર કરેલા તે થોડા દિવસ પહેલા પડી ગયેલ છે.
આ ઉપરાંતનાં બે ભાગમાં આરોગ્ય કેન્દ્ર ચાલુ છે જેમાં એક ભાગ સુરક્ષિત હોઈ ત્યાં દર્દીઓ આવે છે પણ જ્યાં આરોગ્ય કેન્દ્રનાં કર્મચારીઓ બેસે છે અને ફાઈલો, દવાઓ, સાધનો રાખ્યાં છે તે બે રૂમવાળો વિભાગ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ છે. આ જર્જરિત વિભાગમાં જીવનાં જોખમે કર્મચારીઓ ફરજ બજાવે છે. હાલ ચાંદીપુરા અને કોલેરા જેવા રોગોનો ઉપદ્રવ ગુજરાતમાં મોં ફાડીને બેઠું છે ત્યારે શું દ્વારકા તાલુકાનું આરોગ્ય વિભાગ નિંદ્રામાં જ હશે? ટુંકમાં ઓખા નગરપાલિકાની આ કચેરીએ કામકાજ માટે નગરજનો આવે અથવા આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ અને તેનાં સગાં સાથે આવે ત્યારે તે લોકોએ કચેરી કમ્પાઉન્ડમાં રહેલી ગંદકી, કચરા, માખી, મચ્છર અને દુર્ગંધવાળા વાતાવરણની ફરજિયાત ભેટ લઈને જ જવાનો ઘાટ રચાયો છે. આ પરિસ્થિતિ અંગે દ્વારકા તાલુકાનાં આરોગ્ય અધિકારી ડો. ખાણિયા સાથે ટેલિફોનીક વાત કરતાં તેમણે સરકારી જવાબ આપ્યો કે અમોએ ઉપર જાણ કરેલ છે. તો પ્રશ્ર્ન એ છે કે શું ઓખા નગરપાલિકાનાં પ્રમુખ અને ચિફ ઓફિસર આ ખરાબ સ્થિતિ વિષે જાણતા નહીં હોય? શું દ્વારકા તાલુકાનાં આરોગ્ય વિભાગનાં જવાબદારો માત્ર કાગળ ઉપર જ સબ સલામતનું રિપોર્ટ કરતાં હશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ઓખા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન
ઓખા નગરપાલિકા વિસ્તારમાં અનેક જર્જરિત મકાનોને ચિફ ઓફિસરને નોટીસ આપવાનો સમય પણ મળ્યો નથી. નગરપાલિકા વિસ્તારોમાં કોઈ પણ ઔદ્યોગિક, શૈક્ષણિક કે વાણિજ્ય એકમ પાસે ફાયરનાં પુરતાં સાધનો ન હોવા છતાં અને ફાયર એનઓસી પણ ન હોવા છતાં ચિફ ઓફિસર કે અન્ય સરકારી જવાબદાર અધિકારીને કોઈ ફરક પડતો નથી. ઓખા નગરપાલિકાને છેલ્લા ઘણાં વર્ષોથી કાયમી ચિફ ઓફિસર મળ્યા જ નથી. હાલ જે છે તે પણ રિટાયર કર્મચારી 11 માસનાં એગ્રીમેન્ટ પર છે, જે માત્ર વહીવટ કરવા આવ્યા છે. આમ ઓખા નગરપાલિકામાં છેલ્લા 15 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે.