વૈશ્ર્વિક વિસ્તરણને આગળ ધપાવવા એક્વિઝિશન/ભાગીદારીની તૈયારી!
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
ભારતની સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વૈશ્વિક વિસ્તરણને આગળ ધપાવવા સતત અગ્રેસર છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીની APSEZ આગામી 5-6 વર્ષમાં એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની યોજના ધરાવે છે. જેના થકી પોર્ટ ઓપરેટરને વૈશ્વિક વિસ્તરણ આગળ ધપાવવામાં વધુ વેગ મળશે. APSEZના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “કંપની આગામી લાંબા ગાળાના વોલ્યુમ માર્ગદર્શન માટે એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની સીમાચિહ્નરૂપ યોજના પર કામ કરી રહી છે. APSEZ સમગ્ર ભારતના દરિયાકિનારા પર 15 પોર્ટ/ટર્મિનલનું વિશાળ નેટવર્ક ધરાવે છે, જેની ક્ષમતા દર વર્ષે લગભગ 627 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની છે. FY24માં, APSEZએ 420 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સર્જ્યો હતો, જે ભારતના કુલ કાર્ગોના 27 ટકા અને દેશના ક્ધટેનર કાર્ગોનો 44 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીના સ્થાનિક કાર્ગો વોલ્યુમમાં FY24માં 21 ટકાનો વધારો થયો હતો. સમગ્ર ભારતમાં તેની સરખામણીએ લગભગ 7 ટકા કાર્ગો વૃદ્ધિ થઈ હતી. પોર્ટ ઓપરેટરે ચાલુ નાણાકીય વર્ષ માટે 460-480 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. વિદેશમાં APSEZની હાજરી હાઈફા બંદર સુધી મર્યાદિત છે.
જો કે ઑસ્ટ્રેલિયા, ઇઝરાયેલ અને તાંઝાનિયામાં ઑપરેશન્સ અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ તેમજ શ્રીલંકાના કોલંબો બંદર પર એક નવા ક્ધટેનર ટર્મિનલનું નિર્માણ કરી રહ્યું છે. કંપની પ્રવક્તાના જણાવ્યા અનુસાર “APSEZ એ હંમેશા ભારતમાં બમણું કે ત્રણ ગણું પર્ફોમ કર્યું છે” તેમણે ઉમેર્યુ હતું કે જો ભારતીય કાર્ગો 6-6.5 ટકાની વચ્ચે વધી રહ્યો છે, તો અમારા માટે 12-14 ટકાની વચ્ચે વૃદ્ધિ કરવી એ આશ્ચર્યજનક નથી કારણ કે અમે તે વેપારને આવરી લેવા માટે વ્યૂહાત્મક રીતે સ્થિત છીએ.” APSEZ વ્યાપારી તકોને આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરવાની યોજના ધરાવે છે. ઇઝરાયેલમાં હાઇફા બંદરની વ્યૂહાત્મક સ્થિતિ, શ્રીલંકામાં વેસ્ટ ક્ધટેનર ટર્મિનલની વ્યૂહાત્મક સ્થિતિ એ તેના ઉત્કૃષ્ટ ઉદાહરણો છે. કંપનીના તેના પોર્ટફોલિયોમાં અભિવૃદ્ધિ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ પ્રકારની તકોને હંમેશા આવકારે છે. જો કે, આવનારા 3 થી 5 વર્ષમાં કંપની ભારતમાં પણ ખાસ વૃદ્ધિ જોઈ રહી છે. આગામી 3 થી 5 વર્ષના વ્યૂહાત્મક રોડમેપમાં કંપનીની મધ્યપૂર્વ, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને ભૂમધ્ય તરફ વિસ્તરણની યોજના ધરાવે છે. આ ચાર પ્રદેશો માટે વ્યૂહાત્મક એક્વિઝિશન/ભાગીદારી માટે તે આગળ વધી રહી છે.