તબીબોની બેદરકારીથી મોત થયાનો માતાનો આક્ષેપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
- Advertisement -
સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી અને આધુનિક એવી રાજકોટની જનાના હોસ્પિટલમાં આજે તબીબોની બેદરકારીના કારણે એક ગંભીર ઘટના બનવા પામી છે.
ગોંડલમાં રહેતા એઝાઝભાઇ કાથોરાટીયાના ત્રણ મહિનાના માસુમ પુત્રને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હોય જેથી તેઓ ત્યાંના તબીબો પાસેથી સારવાર માટે દવા લેતા હતાં. બાદમાં બાળકની તબીબ લથડતાં તેઓ બાળકને સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલે લઇ આવ્યા હતાં. તબીબોએ બાળકની સારવાર કર્યા બાદ તેની તબીયત લથડતાં તેમને ઇન્ક્યુબેટર મશીનમાં રખાયો હતો. જેથી બાળકનો પગ દાઝી જતાં તેની હાલત ગંભીર થઇ ગઇ હતી. પરિવારને તાવને બદલે આંચકી હોવાનું જણાવ્યું હતું.
તબીબોએ આ વાત કહેતા તેમને પરિવારજનોએ કહ્યું હતુ કે, અમારા બાળકને આંચકી નહીં તાવની બીમારી છે. બાળકનો પગ દાઝી જતા તબીબોએ તેમના પરિવારજનોને જાણ શુધ્ધા પણ કરી ન હતી અને તેઓએ બાળકના પગ દાઝી ગયાની સારવાર ચાલુ કરી દીધી હતી. બે કલાક બાદ બાળકનું મૃત્યુ નિપજતાં તેમના પરિવારજનને બાળકના અવસાનની જાણ કરી હતી. બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બાળકના પરિવારે ત્યાં હોબાળો મચાવ્યો હતો.
બાળકની માતાએ જણાવ્યું હતું કે, અમે અમારા પુત્રને તાવની બિમારીથી દાખલ કર્યો હતો. પરંતુ તબીબોએ આચકી હોવાનું જણાવ્યું હતું. જો કે અમારા પુત્રને આંચકીની બિમારી હતી નહીં. અમે બાળકને સારું થઈ જશે તેવી આશા સાથે આવ્યા હતાં. પરંતુ તબીબી બેદરકારી અને સ્ટાફની બેદરકારી અમે અમારું સંતાન ગુમાવી દીધું છે.